ડિવિઝન ડીસીએમ જૈફ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
રાજકોટ રેલ મંડળમાં 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશેષ માહિતી આપતા રાજકોટ ડિવિઝનના સીનીયર ડીસીએમ અભિનવ જૈફ જણાવે છે કે આ પખવાડિયા દરમ્યાન 19 અને 20 સપ્ટેમ્બરના રોજ રાજકોટ રેલ્વે વિભાગમાં ‘સ્વચ્છ ટ્રેન’ થીમ પર ટ્રેનોની સફાઇ, આંતરિક શૌચાલય અને ડબ્બાઓની સફાઇ કરવામાં આવી હતી.
ગાડીમાં એકત્ર પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. મુસાફરોને કચરા પેટીમાં યોગ્ય જગ્યાએ કચરો નાખવા પર પ્રોત્સાહિત કરાયા હતાં. સ્ટેશન યાર્ડની સફાઇ કરવામાં આવી હતી. ટ્રેનના ડબ્બાઓમાં પાણીના નળની લીકેજ તપાસવામાં આવી હતી અને તેને તાત્કાલિક સુધારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ મંડળના ઓખા, હાપા અને રાજકોટ ખાતે આવેલી ખાડાની લાઇનોમાં ટ્રેનોની વ્યાપક સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રેલ્વે સ્ટેશન પરિસર, ટ્રેક, યાર્ડ, રેલ્વે ઓફિસ, કોલોની અને હોસ્પિટલની સ્વચ્છતા સુનિશ્ર્ચિત કરવા વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે. આ દરમ્યાન ટ્રેન અને રેલ્વે પરિસરને સ્વચ્છ રાખવા માટે ટ્રેનોની અંદર ‘શું કરવુ અને શું ન કરવુું’ સંબંધિત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. આ સાથે ટ્રેનોના મુસાફરો પાસેથી સ્વચ્છતા સંબંધિત સુચનો અને પ્રતિસાદ લેવામાં આવ્યા હતા તથા ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.