પરિણીતાએ શરીર સબંધ બાંધવાનો ઈનકાર કરતા શખ્સે ધોકા વડે માર માર્યો’તો
શહેરના અમિન માર્ગ પર આવેલા એસ.કે.સ્પામાં નોકરી કરતી 23 વર્ષની પરિણિતા પર સ્પામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા યોગેશ મનસુખ જંડાળીયાએ શારીરિક સબંધ માટે માંગણી કરી હતી જેનો પરિણીતાએ ઈન્કાર કરતા યોગેશે ઉશ્કેરાઇને પાઈપના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જે મામલે માલવિયા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.વિગતો અનુસાર મુળ જેતપુરની અને હાલ રૈયા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતા અમીન માર્ગ પર એસ.કે.સ્પામાં ટેલીકોલર તરીકે છેલ્લા ચાર મહિનાથી નોકરી કરે છે. ગઈકાલે તેને સવારે 10.30 વાગ્યે તેનો પતિ સ્પામાં મુકી જતો રહ્યો હતો. ત્યારબાદ તે સ્પામાં રાખેલા સોફા પર બેઠી હતી. તે વખતે સ્પામાં સફાઈ કામ કરતો યોગેશ તેની પાસે આવ્યો હતો જેણે તેની પાસે શારીરિક સબંધની માંગણી કરી હતી.
જેનો તેણે ઈન્કાર કરતા યોગેશે કહ્યું કે તુ મને શારીરિક સબંધ માટે કેમ ના પાડે છે તેમ કહી યોગેશ ઉશ્કેરાઈ ગયો હતો અને સીધો તે નીચે જઈ લોખંડનો પાઈપ લઈ આવ્યો હતો.પોતે કાંઈ સમજે કે વિચારે તે પહેલા યોગેશ તેની ઉપર પાઈપ વડે હુમલો કરી દીધો હતો. તેના શરીરમાં પાઈપના આડેધડ ઘા ઝીંકી લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે.