લખાણ કરી આપનાર નોટરી કે એડવોકેટને આરોપી તરીકે રજૂ કરાતા હોવાની ફરિયાદો
રાજકોટ ખાતે દિન પ્રતિદિન ભુ માફિયાઓ બેફામ બની રહી છે. જ્યાં એક સમયે ભૂ માફિયાઓ દ્વારા કોઈ વ્યક્તિની જમીન યેનકેન પ્રકારે પચાવી લેવામાં આવતી હતી, દબાણ કરી લેવામાં આવતું હતું. ત્યાંરે હવે ભૂ માફિયાઓ સરકારી જમીનો પણ બોગસ દસ્તાવેજ ઉભા કરી વેચી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ લોધિકા તાલુકા ના કાંગશીયાળી ખાતે સરકારી ખરાબો વેચી મારવાનો કિસ્સો સામે આવ્યો હતો. આવા પ્રકરણમાં ખરા અર્થમાં રેવન્યુ વિભાગના અધિકારી – કર્મચારીઓ એ પરંતુ હવે આવા કિસ્સાઓમાં ક્યાંક તકેદારી રાખવાની જરૂર હોય છે, તંત્રે આ બાબતોની કાળજી રાખવી જોઈએ પરંતુ તેમ છતાં જો આવી ઘટના બને તો રેવન્યુ અને પોલીસ તંત્રે જરૂરી તપાસ કરી ભુ માફિયાઓને બેફામ બનતા અટકાવવા જોઈએ પરંતુ હાલ પરિસ્થિતિ એવી બની છે કે ભૂ માફિયાઓ તો આવા કૌભાંડ આચરી ખુલ્લેઆમ ફરતા હોય છે પરંતુ લખાણ કરી દેનારા એડવોકેટ્સ અને નોટરી ને આરોપી તરીકે રજૂ કરી દેવામાં આવે છે. જે બાબતે નોટરી ફેડરેશન અને બાર એસોસિએશને ગંભીરતા દાખવી પોલીસ તંત્ર ને રજુઆત કરવાની ફરજ પડી છે. ત્યારે ’અબતક’ દ્વારા જમીન કૌભાંડમાં એડવોકેટ અને નોટરીની ભૂમિકા પર વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે જે અનુસાર કોઈ પણ પ્રકારની રેવન્યુની મેટરમાં ખરા અર્થમાં ૧૦૦માંથી ૯૯ કિસ્સામાં એડવોકેટ અને નોટરી ની કોઈ જ શંકાસ્પદ ભૂમિકા હોતી જ નથી તેવું સામે આવ્યું હતું.
એડવોકેટ્સ નહિ પરંતુ તંત્રની ખામીને કારણે જમીન કૌભાંડની સંખ્યા વધી: દિલીપ પટેલ
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ દિન પ્રતિદિન જમીન કૌભાંડ આચરનાર ભૂ માફિયાઓ બેફામ બની રહી છે ત્યારે ખરેખર સ્થાનિક તંત્ર અને વહીવટી તંત્ર ના રેવન્યુ વિભાગે તાત્કાલિક તાકીદે આવા કિસ્સાઓમાં કાર્યવાહી કરવાની જરૂર છે. એડવોકેટનું કાર્ય ફક્ત લખાણ કરવાનું હોય છે નહિ કે કૌભાંડ આચરવાનું પરંતુ અમુક તત્વો એડવોકેટ્સ ને અંધારામાં રાખી બોગસ દસ્તાવેજ કરી કૌભાંડ આચરી લેતા હોય છે. જેમાં એડવોકેટ કે નોટરીની કોઈ ભૂમિકા હોતી જ નથી કેમકે તેમણે ફક્ત જે તે વ્યક્તિના સરકાર માન્ય ઓળખપત્ર ધ્યાને રાખી કાયદા ની જોગવાઈ પ્રમાણે લખાણ અને નોંધણી કરવાની હોય છે પરંતુ હાલ જ્યારે કૌભાંડ પ્રકાશમાં આવે ત્યારે એડવોકેટ અને નોટરીને આરોપી તરીકે રજૂ કરવા એ અત્યંત ખોટી બાબત છે. તેમણે કહ્યું હતું કે હાલ જે રીતે આશરે ૧૦ વર્ષ જૂનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, લોધિકા તાલુકા ના મામલતદાર ફરિયાદી બન્યા છે અને રેવન્યુ વિભાગ દ્વારા આરોપી તરીકે નોટરી અને એડવોકેટ ને રજૂ કરી દેવાયા છે તે તદ્દન ખોટી બાબત છે જેનો બાર એસોસિએશન વિરોધ કરે છે. ખરેખર એડવોકેટ કે નોટરી કોઈ જ ભૂમિકા હોતી જ નથી તેઓ ફક્ત કાગળ જોઈને લખાણ કરતા હોય છે.
ગુજરાત સરકારના પરિપત્ર મુજબ નોટરી – એડવોકેટને તપાસ વિના આરોપી તરીકે જોડી શકાય નહિ : સમીર ખીરા
મામલામાં રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટના મુખ્ય સરકારી વકીલ સમીરભાઈ ખીરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ દસ્તાવેજમાં એડવોકેટ્સ એ સંપૂર્ણ કાગળો ની તપાસ કરી, કાયદા મુજબ લખાણ કરવાનું હોય છે એ સિવાય વકીલોએ કશું કરવાનું હોતું નથી, તેમનું કાર્ય મર્યાદિત હોય છે. તેવી જ રીતે નોટરી એ સોગંદનામું કરે ત્યારે તેમને કાગળો ની ખરાઇ કરવાની હોય છે જે ફક્ત ઓળખપત્ર ના આધારે થતું હોય છે, નોટરી એ કાગળ તપાસ કર્યા બાદ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરવાની હોય છે. નોટરીએ ક્યાંય ચિત્રમાં આવવાનું હોતું જ નથી. ગુજરાત સરકાર નો પરિપત્ર પણ એવો છે કે નોટરી કે એડવોકેટ ને ક્યાંય સીધીરીતે આરોપી તરીકે જોડી શકાય નહિ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે નોટરી – એડવોકેટને આરોપી તરીકે કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ છે કે ક્યાંક તપાસનીશ અધિકારી પર કાર્યનું ભારણ હોવાથી આવો નિર્ણય થઈ જતો હોય છે.
તપાસ કર્યા બાદ જો એડવોકેટ – નોટરીની શંકાસ્પદ ભૂમિકા જણાય તો જ ફરિયાદમાં ઉલ્લેખ કરવો જોઈએ: દિલીપ મહેતા
મામલામાં રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટના મદદનીશ સરકારી વકીલ દિલીપ મહેતા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જમીન કૌભાંડ માં મુખ્ય બે પાસા હોય છે જેમાં અંતર્ગત જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ ની જમીન પર દબાણ કરે તો જમીન માલિમ કાયદાની સેક્શન ૫ અને ૬ મુજબ પોતાની જમીન ખાલી કરાવી શકે છે. અને બીજી બાબત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા સરકાતી જમીન માં દબાણ કરાય તો ગ્રામ પંચાયતના સભ્યો અથવા સરપંચ દ્વારા તલાટી મંત્રી ને રજુઆત કરવાની હોય છે અને તે બાદ મામલતદાર પોતાના હોદ્દાની રુએ જમીન ખાલી કરાવી શકે તેવું બોમ્બે લેન્ડ રેવન્યુ કોર્ટ કે જે હાલ ગુજરાત લેન્ડ રેવન્યુ કોર્ટ તરીકે ઓળખાય છે તેમાં જોગવાઈ કરવામાં આવી છે. વેચાણ વ્યવહારમાં એડવોકેટ ફક્ત દસ્તાવેજ કરે છે, ઓળખ આપનાર કોઈ ત્રીજી વ્યક્તિ હોય છે તો તેમાં એડવોકેટ ની કોઈ ભૂમિકા રહેતી જ નથી. મારી દ્રષ્ટિએ જ્યારે આવા પ્રકરણ પ્રકાશમાં આવે ત્યારે પ્રથમ તપાસનીશ અધિકારીએ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ ત્યાર બાદ જ કોઈ નોટરી કે એડવોકેટ ની શંકાસ્પદ ભૂમિકા જણાય તો એફઆઈઆરમાં તેમનો ઉલ્લેખ કરવો જોઈએ.
હાલના સમયમાં ખોટું કરનારાઓની સંખ્યા વધી: એડવોકેટ કે.બી. સોરઠીયા
મામલામાં છેલ્લા ૨૫ વર્ષ થી રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા એડવોકેટ – નોટરી કે. બી. સોરઠીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખરા અર્થમાં આ પ્રકારના કિસ્સામાં રેવન્યુ અધિકારીઓને જાણ હોય જ છે. તેમના વિસ્તારમાં જો કોઈ સરકારી જમીન માં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલે કે વેચાણ – બાંધકામ જેવી પ્રવૃત્તિ થતી હિય તો ક્યાંક આ બાબતની જાણ અધિકારીઓ ને હોય છે પરંતુ તેમની કચાશ ને કારણે આવા કિસ્સાઓ ને પ્રોત્સાહન મળતું હોય છે. વાત જ્યારે એડવોકેટ અને નોટરી ની આવે તો તેમનું કાર્ય ફક્ત ઓળખ આપવી, લખાણ કરવું અને નોંધણી કરવાનું હોય છે એ સિવાય તેમની કોઈ જ પ્રકાર ની ભૂમિકા હોતી નથી. ઉલ્લેખનીય બાબત એ પણ છે સરકારી જમીનમાં બાંધકામ થઈ જાય ત્યારે તે તોડી પાડવામાં આવે છે જે નુકસાની માધ્યમ વર્ગ ને થતી હોય છે ત્યારે જો સરકારી જમીનોનો જો કોઈ ઉપયોગ ન હોય તો કોઈ પણ વ્યક્તિ ને ભાડા કરાર સ્વરૂપે આપી શકાય તેવી ઓથોરિટી સરકાર પાસે હોય છે તો જો અગાઉ જ આ પ્રકારે જમીન ફાળવી દેવાય તો જમીન કૌભાંડના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય. તેમણે જમીન કૌભાંડમાં એડવોકેટ અને નોટરી ની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે અમુક કિસ્સાઓમાં નોટરી અને એડ્વોકેટની શંકાસ્પદ ભૂમિકા હોય છે. હું મારુ જ ઉદાહરણ આપું તો મારી કારકિર્દી આશરે ૬ જેટલી મોટી ફાઈલો આવી હતી જે જોઈને મને લાગ્યું કે આ ખોટી અરજી છે જે બાદ ઓરિજિનલ દસ્તાવેજ મંગાવતા મારી શંકા સાચી નીકળી જે બાદ મેં પોતે અરજી કરી કે આ અરજદાર ને કોઈ પણ જાત ની સહાય આપવી નહિ. હાલ ના સમયમાં જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે મધ્યમ વર્ગીય લોકો એક નાનો પ્લોટ પણ ખરીદી શકતા નથી જેના કારણે તેઓ ખોટું કરવા પ્રેરાય છે જેના પરિણામે આવા કિસ્સાઓ માં વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતો માં એડવોકેટ્સ અને નોટરી સાચી તપાસ કરી પૂરતું ધ્યાન આપી જ દસ્તાવેજ કરવા એ જરૂરી છે.
નોટરી એકટ અનુસાર તપાસ વિના નોટરીના નામનો ઉલ્લેખ એફઆઈઆરમાં કરી શકાય નહી: સંજય જોષી
આ તકે ગુજરાત નોટરી ફેડરેશનના ચેરમેન સંજય જોશીએ જણાવ્યું હતું કે આ પ્રકાર ના પ્રકરણમાં નોટરી – એડવોકેટ ની કોઈ ભૂમિકા હોતી જ નથી. એડવોકેટ એ ઓળખ કરવાની હોય છે, નોટરી એ નોંધણી કરાવાની હોય છે એ સિવાય કોઈ જ ભૂમિકા હોતી જ નથી. નોટરી દરરોજ મોટી સંખ્યામાં નોંધણી કરતા હોય છે ત્યારે તેઓ સરકારી કાગળો ની વ્યવસ્થિત તપાસ કરતા હોય છે અને તેના આધારે જ દસ્તાવેજ કરતા હોય છે અને નોટરી એકટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે કે સંપૂર્ણ તપાસ વિના નોટરી પર એફઆઈઆર કરી શકાય નહિ તેમ છતાં એફઆઈઆર કરવામાં આવે છે તે દુ:ખદ બાબત છે.