મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીએ સમગ્ર રાષ્ટ્ર પૂ.બાપુને “સ્વચ્છ ભારતની અનુપમ ભેટ આપી રહેલ છે ત્યારે રાજકોટ શહેર પણ તેમાં પોતાનું યથોચિત યોગદાન આપી આ મહારાષ્ટ્રીય અભિયાનનો સગર્વ હિસ્સો બની રહયું છે. આ રાષ્ટ્રીય અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના આયોજનો કરાયા હતા. જ્યારે વિવિધ થીમ સાથે છાત્રોની રેલીના આયોજનો કરી “સ્વચ્છ રાજકોટ અને “પ્લાસ્ટિકમુક્ત રાજકોટના સંદેશ જનજન સુધી પ્રસરાવવા સ્તુત્ય પ્રયાસો કર્યા હતાં.
રેસકોર્સ, બહુમાળી ભવન ચોક ખાતેથી યોજાયેલ રેલીને મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મનપાના શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર અંજનાબેન મોરઝરિયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, અગ્રણી નીતિનભાઈ ભૂત, મયુર શાહ, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, શિક્ષણ સમિતિના સભ્ય કિરણબેન માકડીયા અને મુકેશભાઈ મેહતા, નાયબ કમિશનર ચેતન ગણાત્રા અને ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર. પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.
આ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ રેલીઓના માધ્યમથી રાજકોટમાં વિવિધ સંદેશાઓનો પ્રસાર કરવામાં આવ્યો હતો. પ્લોગીંગ રન એક વિશિષ્ટ આયોજન બની રહયું હતું, જેમાં આ રનમાં ભાગ લેનારા હજારો લોકો અને છાત્રોએ જોગિંગ કરતાકરતા પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. પ્લોગીંગ રન અને પ્રભાત ફેરીને મેયર સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉપરાંત ગત તા. ૧૧-૯-૨૦૧૯થી આજ દિન સુધીમાં એકત્ર કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટમાંથી નાગરિકો સુધી એવો પ્રેરક સંદેશ પહોંચાડવા સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, “નો પ્લાસ્ટિક અર્થાત પ્લાસ્ટિકનો વપરાશ સ્વૈચ્છિકરીતે જ બંધ કરી પર્યાવરણની સુરક્ષા માટેના પગલાંઓમાં પોતપોતાનું યોગદાન આપીએ. છેલ્લા ૨૦ દિવસોમાં કુલ ૨૭ ટન પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. જેની મોટીમોટી ગાંસડી બનાવવામાં આવી હતી. આ ગાંસડીની મદદથી અંગ્રેજી અક્ષરો ‘નો પ્લાસ્ટીક’ લખવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના માધ્યમથી “ફ્રોમ પ્લાસ્ટિક ટુ નો પ્લાસ્ટિક સંદેશો સમાજને અપાયો હતો.