સરકારે બે વર્ષમાં એકઠા કરેલા રૂ.૧૬,૪૦૦ કરોડમાંથી રૂ. ૪૦૦૦ કરોડ સ્વચ્છ ભારત કોષમાં ન નખાયા!

મોદી સરકારે અમલી કરેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ સમગ્ર દેશમાં ગુંજી ઉઠયું છે. આજના સમયે ઠેર-ઠેર સ્વચ્છતાને લઈ કાર્યક્રમ અને ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ તેના સંતોષકારક પરિણામ મળયા નથી. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ મોટા બણગા ફુંકાય છે પરંતુ સ્વચ્છ ભારત સેસનો વહિવટ જ અસ્વચ્છ છે !! છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ૧૬,૪૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધુ સેસ એકઠો કર્યો છે પરંતુ તેમાંથી ૨૫% સેસ અન્ય જગ્યાએ જ વપરાયા હોવાનું ખુલ્યું છે.

નિયામક અને ઓડિટર જનરલે નોંધ્યું છે કે રૂ.૪૦૦૦ કરોડનો સેસ સ્વચ્છતા સ્કીમને બદલે અન્ય જગ્યાઓએ વપરાયું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ.૧૬,૪૦૦ કરોડનું ભંડોળ એકઠુ થયું છે. જેમાંથી ૭૫% ભંડોળ (રૂ.૧૨,૪૦૦ કરોડ) રાષ્ટ્રીય સ્વચ્છતા કોસ સ્કીમમાં ટ્રાન્સફર કરાયા છે. નિયામક અને એડિટર જનરલે જણાવ્યું કે, કુલ ભંડોળને ૮૦:૨૦ રેશિયોમાં વહેંચાયું હતું. જેમાંથી ૮૦ ટકા રકમ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન માટે વહેચાયું હતું તો ૨૦ ટકા રકમ શહેરી વિસ્તારમાં વહેંચાઈ હતી.

જણાવી દઈએ કે, સ્વચ્છ ભારત સેસ અંતર્ગત સરકાર સેવાઓનો ઉપયોગ કરવા લોકો પાસેથી ૦.૫ ટકા સેસ વસુલે છે ? પરંતુ બે વર્ષમાં એકઠા કરેલ રૂ.૧૬,૪૦૦ કરોડના સેસમાંથી ૨૫% સેસ રાષ્ટ્રીય સ્વચ્છતા કોસમાં નાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત નિયામક અને ઓડિટર જનરલે નોંધયું છે કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એકઠો કરેલ સેસની મોટાભાગની રકમ વણવરાયેલી છે.

આ સિવાય ઓડીટર જનરલે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૭ સુધીમાં સેન્ટ્રલ રોડ ફંડ અંતર્ગત રૂ.૨.૪૩ લાખ કરોડથી વધુ સેસ એકત્રિત કરાયો છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૧.૯૫ લાખ કરોડ જ સીઆરએફમાં ટ્રાન્સફર કરાયા છે. બાકીના ૪૮૦૦૦ કરોડ રૂપિયાની ખાદ્ય પડી. આ ઉપરાંત વર્ષ ૧૯૯૬ થી વર્ષ ૨૦૧૭ સુધીના ગાળામાં સરકારે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ૭૮૮૫ કરોડ ‚પિયા એકઠા કર્યા હતા. જેમાંથી માત્ર ૬૦૯ કરોડ રૂપિયા જ ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડને અપાયા છે તો બાકીની રકમોનું શું થયું ? બાકીનું ભંડોળ કયાં વપરાયું? તેવા વૈદ્યક સવાલો ઉઠે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.