ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) પોતાની સામાજીક જવાબદારીના ભાગરૂપે સ્વચ્છ ભારત અભિયાનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવામાં મોખરે રહી છે. અગાઉ જીટીયુની 57 કૉલેજોના આશરે છ હજાર વિદ્યાર્થીઓએ 107 ગામોમાં 9000 શૌચાલયોના નિર્માણમાં સિંહફાળો આપ્યો હતો. તે દિશામાં વધુ એક આગેકદમ માંડીને સ્વચ્છ ભારત મિશનમાં ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવા જીટીયુએ જર્મન કંપની સાથે કરાર કર્યા છે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે આ માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાનને ત્રણ વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે તાજેતરમાં સ્વચ્છતા હી સેવા- પખવાડિયાની ઉજવણી થઈ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છ ભારત માટે સેવેલા સ્વપ્નને સાકાર કરવા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાથ ધરેલા સ્વચ્છ ભારત અભિયાનમાંથી પ્રેરણા મેળવીને જીટીયુ જે કામગીરી બજાવી રહી છે, તેના ભાગરૂપે હવે જર્મનીની કાર્ચર કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે. તે કંપની ગુજરાતમાં તાલીમ માટે સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે. ભારતમાં ક્લિનીંગ સેક્ટર અસંગઠિત છે. તેને વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી અને કૌશલ્યોથી સુસજ્જ કરવા જીટીયુ જર્મન કંપનીના સહયોગમાં આ પગલું ઊઠાવી રહી છે.
નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સિલે જર્મન કંપનીના સહયોગથી સ્થપાનારા સેન્ટર ઑફ એક્સેલન્સ માટેના સૂચિત કોર્સને મંજૂરી આપી છે. આ કોર્સ ત્રણ પ્રકારના રહેશે, જેમાં એક કોર્સ ઉદ્યોગ સાહસિકો માટેનો હશે, કે જેમાં ક્લિનીંગ પ્રોડક્ટો બનાવવા ઈચ્છતા યુવક-યુવતીઓને તેને લગતી તાલીમ આપવામાં આવશે. બીજા પ્રકારના કોર્સમાં સ્વચ્છતાની કામગીરી પર દેખરેખ રાખનારા હોટેલો કે કોર્પોરેટ અથવા અન્ય કંપનીઓના મેનેજરો અને સુપરવાઈઝરોને તાલીમ આપવામાં આવશે. ત્રીજા કોર્સમાં સ્વચ્છતાની કામગીરીમાં સીધી રીતે સંકળાયેલા સફાઈ કામદારોને આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમમાં સીઈડી અને અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનોને પણ સાંકળી લેવામાં આવશે. ટૂંકસમયમાં જીટીયુમાં બેઠક યોજીને આ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના માટેની વ્યૂહરચના ઘડવામાં આવશે.