તબીબોને ડોલો-650 લખવા માટે રૂ. 1 હજાર કરોડનો ખર્ચ કર્યાનો કંપની પર મુકાયો હતો આરોપ
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (આઈપીએ) કે જે દેશની મોટી સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે ડોલો-650 એમજીના નિર્માતા માઇક્રો લેબ્સને ક્લીનચીટ આપી છે. નોંધનીય છે કે, ડોકટરોને મફતના કથિત વિતરણ અંગે ડોલો-650 એમજીના નિર્માતાઓ વિવાદમાં આવ્યા હતા.
આઈપીએએ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ(ડીઓપી) અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ને એક અહેવાલ સુપરત કર્યો છે જેમાં જણાવ્યું છે કે, કંપની યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ (યુસીપીએમપી) માર્ગદર્શિકા અનુસાર પ્રક્રિયાઓનું પાલન કરી રહી છે અને કંઈ ખોટું થતું હોય તેવું કશું જ તેઓ શોધી શક્યા નથી.
ગયા મહિને ફેડરેશન ઑફ મેડિકલ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ ઑફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરી હતી જેમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સે માઇક્રો લેબ્સ પર દવા લખવા માટે ડોક્ટરોને રૂ. 1 હજાર કરોડનું મફત વિતરણ કરવાનો આરોપ મૂક્યો છે.
આઈપીએના અહેવાલ મુજબ, કંપનીના મેનેજમેન્ટ સાથેની વાતચીત અને વિગતવાર જવાબને ધ્યાનમાં રાખીને તે સ્પષ્ટ છે કે એક વર્ષમાં મફતમાં સિંગલ બ્રાન્ડ ડોલો 650 પર રૂ. 1 હજાર કરોડનો ખર્ચ યોગ્ય નથી. ગયા મહિને એનપીપીએએ તપાસની માંગ કરવા માટે માઇક્રો લેબ્સ દ્વારા કથિત માર્કેટિંગ પ્રથાઓ અંગે આઇપીએનો સંપર્ક કર્યો હતો. આઈપીએની એથિક્સ કમિટીએ આ બાબતે વિચાર-વિમર્શ કર્યો અને માઇક્રો લેબ્સના મેનેજમેન્ટ સાથેની ચર્ચા અને માઇક્રો લેબ્સના સીએમડી દ્વારા મોકલવામાં આવેલા સહાયક દસ્તાવેજો સાથેના જવાબના આધારે નિષ્કર્ષ પર આવ્યા. કથિત ફરિયાદ માર્કેટિંગ ખર્ચ અને સંબંધિત કર કપાતને લગતી છે. આઈપીએ સમિતિએ કંપની દ્વારા અપનાવવામાં આવેલી માર્કેટિંગ પદ્ધતિઓ અને તે યુસીપીએમપી કોડ સાથે સુસંગત છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરી હતી.