સોશિયલ ડિસ્ટન્સ સહિતની એસઓપીના પાલન સાથે વર્ગખંડો પુન: શરૂ થશે: હોસ્ટેલ રિ-ઓપન કરવા અંગે પણ એસઓપી જાહેર કરવામાં આવી:હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહિ શકે
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ એમ પણ કહ્યું કે ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-૧૯ ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે જઘઙ નિર્ધારીત કરી છે. તદઅનુસાર, આવી સમરસ હોસ્ટેલ પૂન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે. આ એસઓપીમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિ કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે. જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે. વધારે ભીડને ટાળીને. નાના સમૂહોમાં ભોજન પીરસવું જોઇશે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે. હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે. વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ” નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી સામાજિક અંતર જાળવવું “આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું હંમેશા ફેસ માસ્ક પહેરવુંનું પાલન કરવાનું રહેશે.
સમરસ હોસ્ટેલ પણ ધમધમતી થશે કોવિડ કેર સેન્ટર બંધ કરી દેવાયું
રાજકોટની સમરસ હોસ્ટેલ પણ આગામી સોમવારથી શરૂ થવા જઈ રહી છે. અહીં કાર્યરત કોવિડ કેર સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જણાવ્યું છે કે જિલ્લામાં કોરોનાના કેસો ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાંનો કબજો ડિપાર્ટમેન્ટને સોંપી દેવામાં આવ્યો છે. ત્યાં સોમવારથી હોસ્ટેલ શરૂ થઈ જશે.