શહેરમાં કાતિલ ઠંડીએ કોહરામ મચાવ્યો છે ત્યારે એ.વી.જસાણી શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી છાત્રાનું રહસ્મય રીતે મોત નીપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. વિદ્યાર્થીનીએ સવારે વર્ગખંડમાં જ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી ઢળી પડતાં શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. વિદ્યાર્થિનીને તાત્કાલિક સ્કુલવેનમાં જ હોસ્પિટલ ખસેડવામા આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નિષ્ણાતોએ મોતનું સચોટ કારણ જાણવા માટે વિશેરા લઈ આગળની તપાસ હાથધરી છે.
અચાનક જ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ થતાં વિદ્યાર્થિની વર્ગખંડમાં ઢળી પડતાં શિક્ષકોમાં દોડધામ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઢેબર રોડ પર આવેલા ગોપલનગર સોસાયટીમાં શેરી -4માં રહેતા અને સોની કામ કરતા કિરણકુમાર સાગરની 17 વર્ષની પુત્રી રિયા સાગરનું આજરોજ એ.વી.જસાણી શાળામાં રહસ્મય રીતે મોત નીપજ્યું હતું. પોલીસને ઘટનાની નોંધ થતા મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રિયા સાગર આજરોજ સવારે રાબેતા મુજબ ઘરેથી સ્કુલવેનમાં શાળાએ પહોંચી હતી. ત્યાર બાદ પ્રાથના પૂરી કરી ધોરણ -8ના વર્ગખંડમાં ગઇ હતી. જ્યાં તેને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપાડવાની ફરિયાદ કરતા શિક્ષકોમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર માટે સ્કુલવેનમાં જ હોસ્પિટલ ખસેડવામા આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે સગીરાને મૃત જાહેર કરી હતી.
પોલીસે ઘટનાની નોંધ કરી મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. જ્યાં નિષ્ણાતો દ્વારા વિસેરા લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક રિયા બે બહેનમાં મોટી હોવાનુ અને ધોરણ – 8માં અભ્યાસ કરતી હોવાનુ જાણવા મળ્યું છે.