સ્કૂલમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો અને તિલક કરી મોઢું મીઠું કરાવી સ્વાગત પણ કરાયું
આગામી માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ તણાવમુક્ત બનીને આપી શકે તે માટે અમદાવાદમાં પ્રથમવાર પ્રિ-બોર્ડની પરીક્ષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરની 600 જેટલી શાળાઓમાં આજથી ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે શાળાઓમાં બોર્ડની પરીક્ષા જેવો માહોલ ઊભો કરવા માટે 15 સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો અને તિલક કરી મોઢું મીઠું કરાવી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે. આજથી ત્રણ દિવસ એટલે કે ગુરુવારથી શનિવાર સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર ડીઈઓ હસ્તકની 600 સ્કૂલના 45 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. આજે અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવી હતી તો આવતીકાલે એટલે કે શુક્રવારે ગણિત (બેઝિક), ગણિત (સ્ટાન્ડર્ડ)નું પેપર લેવામાં આવશે. તેમજ શનિવારે વિજ્ઞાનની પરીક્ષા યોજાશે.