ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની 26 માર્ચના રોજ છેલ્લી પરીક્ષા લેવાશે: હવે મૂલ્યાંકનની કામગીરી ઝડપી બનાવવામાં આવશે
અબતક, રાજકોટ ન્યૂઝ : ધોરણ-10 અને 12 સાયન્સમાં શુક્રવારના રોજ છેલ્લા પેપર સાથે પરીક્ષા સત્તાવાર રીતે પૂર્ણ થશે. ધોરણ-10માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રવાસ, ઈન્ટરનેટ અને મિત્રતા વિશે નિબંધ પૂછવામાં આવ્યા હતા. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં હિન્દી દ્વિતીય ભાષાનું પેપર પણ સરળ રહ્યું હતું. જોકે, હવેઆજ રોજ ધોરણ-10 અને 12માં છેલ્લુ પેપર હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાના પ્રેશરમાંથી મુક્ત થશે.
જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની 26 માર્ચના રોજ છેલ્લી પરીક્ષા લેવાશે. ધોરણ-10માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતીનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. આ અંગે વિષય નિષ્ણાંત મિતેશ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતીનું પેપર ખૂબ જ સરસ અને સરળ રહ્યું હતું. ગ્રામરનો વિભાગ પણ વિદ્યાર્થીઓને સરળ લાગ્યો હતો. નિબંધમાં મારો યાદગાર પ્રવાસ, ઈન્ટરનેટના લાભાલાભ અને મિત્રતાની મિઠાશ પૂછવામાં આવ્યા હતા. આમ, એકંદરે વિદ્યાર્થીઓની અપેક્ષા પ્રમાણેનું પેપર સરળ હતું. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં હિન્દી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. આ પેપર પણ સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા. શિક્ષણ બોર્ડની 11 માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં હવે શુક્રવારે ધોરણ-10 અને 12 સાયન્સની છેલ્લી પરીક્ષા લેવાશે. જેમાં ધોરણ-10માં હવે શુક્રવારે છેલ્લું પેપર બાકી રહ્યું છે.
શુક્રવારના રોજ હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત સહિતની દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં ભાષા અને કમ્પ્યૂટર એજ્યુકેશનની પરીક્ષા લેવાશે. આમ, આ પેપર સાથે ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા સત્તાવાર રીતે પૂર્ણ થશે. ત્યારબાદ માત્ર ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બાકી રહેશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ મહત્ત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓને રાહત થઈ છે. હવે સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર પરિચય, શનિવારના રોજ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃતની પરીક્ષા લેવાશે. જ્યારે મંગળવારના રોજ રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની પરીક્ષા સાથે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ પૂર્ણ થશે. આમ, ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થયા બાદ સામાન્ય પ્રવાહમાં માત્ર બે જ પરીક્ષા બાકી રહેશે. જેથી હવે મૂલ્યાંકનની કામગીરી ઝડપી બનાવવામાં આવશે.