- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર
- 24 જૂનથી પૂરક પરીક્ષાઓ શરૂ થશે
ગુજરાત ન્યૂઝ : ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે પરીક્ષાર્થીઓ 10-12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે અને જે પૂરક પરીક્ષા 2024માં બેસવાના છે તેમની પરીક્ષાની તારીખ ગુજરાત બોર્ડે જાહેર કરી છે. મળતી માહિતી મુજબ, 24 જૂનથી ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રાંરભ થશે. ધો. 12 ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂનથી જ શરૂ થશે.
પરીક્ષામાં નાપાસ થયેલા કે કોઈ કારણસર પરીક્ષા ન આપી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગુજરાત બોર્ડ દ્વારા 15 મેના રોજ એટલે કે ગઈકાલે ધો. 10 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા અંગે જાહેરાત કરી હતી. જે મુજબ, ધો. 10 ના જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માગે છે તેઓ પરીક્ષાના ફોર્મ 15 મે 2024 ની સાંજે 5 વાગ્યાથી 22 મે 2024 ની સાંજે 5 વાગ્યા સુધી ભરી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે.