જંગલમાં પહાડીના ઉચાણવાળા વિસ્તારમાં છુપાયેલ આતંકીઓ ઉપર સેના દ્વારા રોકેટ લોન્ચર અને ડ્રોનથી હુમલાઓ: બારામુલ્લામાં પણ અથડામણ, એક આતંકી ઠાર
કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સેના આતંકીઓ ઉપર તૂટી પડી છે. કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણ આજે શનિવારે સતત ચોથા દિવસે પણ ચાલુ છે. આજે સેના રોકેટ લોન્ચર સહિતના ભારે હથિયારો વડે આતંકવાદીઓ ઉપર સતત બોમ્બ મારો કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ બારામુલ્લામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભારતીય સેના દ્વારા ઘેરાયેલા કોકરનાગના જંગલોમાં સ્થિત પહાડીઓમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. ઓપરેશનને ઝડપથી સમાપ્ત કરવા માટે, તેમના પર રોકેટ લોન્ચર અને અન્ય ભારે હથિયારોથી હુમલો કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના આતંકવાદીઓને મારવા માટે પહાડો પર ડ્રોન વડે બોમ્બમારો કરી રહી છે. રોકેટ લોન્ચરથી બોમ્બ ધડાકાનો વીડિયો પણ સામે આવ્યો છે.
બુધવારના રોજ અનંતનાગ એન્કાઉન્ટરમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના કુલ ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા. જેમાં 19 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધનોક અને ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ્ટનો સમાવેશ થાય છે. ઓપરેશન દરમિયાન એક જવાન પણ શહીદ થયા હતા. ઓપરેશન ટૂંક સમયમાં સમાપ્ત કરવામાં આવશે કારણ કે આતંકવાદીઓ પાસે દારૂગોળો ખતમ થઈ ગયો છે અને માત્ર ઊંચા સ્થાને છુપાયેલા હોવાને કારણે તેઓ સુરક્ષા દળોથી બચવામાં સફળ રહ્યા છે. એન્કાઉન્ટર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો સાથેના એનકાન્ટરમાં એક આતંકવાદી ઠાર થયો છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોએ આજે સવારે જ આ એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉરી, હથલંગા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ભારતીય સેના તેમજ બારામુલ્લા પોલીસ વચ્ચે એનકાઉન્ટર શરુ થયું છે. આ સાથે જ સેનાએ બે આતંકીઓને ઘેરી લીધા હતાં જેમાંથી એકને ઠાર કરવામાં આવ્યો છે જ્યારે બીજાની શોધખોળ હજું ચાલુ છે.