- તીક્ષ્ણ હથિયારો સાથે ટોળું ધસી આવ્યું : 200 જેટલી સોડા બોટલનો છૂટો ઘા કરાયો, વાહનોમાં તોડફોફડ
- પાણીના જગના રૂ. 900 માંગતા બબાલ
- ભારે તંગદિલી સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
રાજકોટ શહેરના ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા નજીક ગત મોડી રાત્રે અથડામણ થતાં ભારે તંગદિલી સર્જાઈ હતી. મોડી રાત્રે શસ્ત્રો સાથે ધસી આવેલા આશરે 20 લોકોના ટોળાંએ અંદાજિત 200 સોડા બોટલનો છૂટો ઘા કર્યો હતો. ટોળાંએ વાહનોમાં પણ તોડફોડ કર્યાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી. મોડી રાત્રે બનેલા બનાવને પગલે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય બાબત છે કે, પાણીના જગના રૂ. 900ની ઉઘરાણી મામલે આ ડખ્ખો ઉપજયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રાત્રીના સમયે રાજશ્રી સિનેમા નજીક સુનિલભાઈ મશરૂભાઈ ગમારા તેના મીત્રો ગોપાલભાઈ, મનોજભાઈ, કાર્તીકભાઇ તથા પરેશભાઇ તથા હીરો એમ બધા બેઠા હતા. તે સમયે સલમાન, સેજાદ, ભુરો અને તેની સાથે અજાણ્યા શખ્સો અલગ અલગ મોટરસાયકલમાં ધસી આવ્યા હતા. ધસી આવેલા શખ્સોએ સુનિલભાઈ સહિતનાને બેફામ ગાળો આપી છૂટા સોડા બોટલના ઘા કર્યા હતા. જે બાદ ટોળાંએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. સોડા બોટલના ઘા કરી ભાગવા જતાં તેની સાથે હાજર અજાણ્યો શખ્સ મોટર સાઇકલ ઉપરથી પડી ગયો હતો. જે શખ્સને પકડી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ શખ્સ સગીર હોવાનું ખુલવા પામ્યું છે.
સમગ્ર ઘટનામાં પ્રાપ્ત વિગત અનુસાર ભુપેન્દ્ર રોડ પર રવિ ગમારાને પાણીનો પ્લાન્ટ છે. દરરોજ તેઓ અલગ અલગ દુકાનોમાં પાણીના જગ મોકલવાતા હોય છે અને માસિક પૈસાનો હિસાબ લેતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી લાડકી નામના શો રૂમ સંચાલક પાસે પૈસા લેવાના બાકી હોય ગત સાંજે રવિ ગમારા પૈસા લેવા ગયો હતો. ત્યારે લાડકી શો રૂમમાં હાજર ટોળાંએ તે પૈસા કેમ માંગ્યા તેવું કહી ટોળાંમાંથી એકાદ શખ્સે ફડાકા ઝીંકી દીધા હતા. જે બાદ રવિ ગમારાએ મિત્રોને જાણ કરતા સામસામે બંને ટોળાં વચ્ચે ડખ્ખો થતાં મારામારી પણ થયાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ મધ્યસ્થી થતાં બંને પક્ષે સાંજના સમયે જ સમાધાન થઇ ગયું હતું. જે બાદ રાત્રીના સમયે સુનિલભાઈ ગમારા સહિતના રાજેશ્રી સિનેમા નજીક બેઠા હતા ત્યારે ફરીવાર પંદરથી 20 લોકોનું ટોળું સોડા બોટલ લઈને ધસી આવ્યું હતું અને છૂટા ઘા કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઇજા નહિ પહોંચ્યાનું જાણવા મળ્યું છે.