કોંગ્રેસની પરંપરા મુજબ દાંડીકૂચના કાર્યક્રમને મંજુરી આપવા પ્રદેશ કોંગ્રેસે કરી હતી રાજયપાલને રજુઆત, મંજુરી ન મળી હોવા છતાં દાંડીકુચ યોજતા સર્જાયો હોબાળો
ઐતિહાસિક પ્રસંગને વાગોળવા કોંગ્રેસ વર્ષોથી આયોજન કરે છે: અમિત ચાવડા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દાંડીયાત્રાનો આરંભ કરાવ્યો આ બાજુ કોંગ્રેસ પણ પોતાની દાંડી કૂચ કાઢવા માટે મક્કમ રહી હતી. 2 વાગ્યા બાદ રાજીવ ગાંધી ભવન પાસે કાર્યકરો અને નેતાઓનો જમાવડો થવા લાગ્યો. અત્રે જણાવવાનું કે કોંગ્રેસની દાંડી કૂચને મંજૂરી આપવામાં આવી નથી. કોંગ્રેસ દ્વારા આજે જ દાંડી કૂચ માટે મંજૂરી માંગવામાં આવી હતી. મંજૂરી આપવામાં ન આવી હોવા છતાં દાંડી કૂચ કાઢવા માટે મક્કમ રહેલી કોંગ્રેસના અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી છે. આજે તા.1ર માર્ચ દાંડીકૂચના ઐતિહાસિક પ્રસંગે કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દાંડીકૂચના કાર્યક્રમને મંજુરી આપવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજયપાલને પત્ર પાઠવાયો છે. જો કે કોંગ્રેસ બપોર બાદ દાંડીયાત્રા કાઢવા મકકમ હોવાનું અમિત ચાવડાએ મિડિયા સમક્ષ જણાવ્યું છે રાજયપાલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ગાંધી વિચાર અને આચારના આત્મબળે લડયો છે. અંગ્રેજી હકુમતને દેશથી હાંકી કાઢવા વરસો સુધી સંઘર્ષ કર્યો. કોંગ્રેસના અગણીત નેતાઓ અને સમર્થકોએ બલિદાન આપ્યા. ગાંધીજીની એક હાકલ પર ન્યોછાવર થવાની તૈયારી સાથે આઝાદીની લડાઇ લડી 1930 ની દાંડીયાત્રા આ સંઘર્ષ પ્રથાનું જ એક સોપાન છે.
દેશની ધરોહર સમાન આ ઐતિહાસિક પ્રસંગને વાગોળવા કોંગ્રેસ પક્ષ વરસોથી કાર્યક્રમ આયોજીત કરે છે. પ્રધાનમંત્રી દ્વારા આ વરસે પ્રથમવાર દાંડીયાત્રા આયોજીત કરી છે તે આવકાર્ય છે. આઝાદીની ચળવળમાં કોંગ્રેસનું નેતૃત્વ કરનાર ગાંધીજી દ્વારા કરાયેલ નમક સત્યાગ્રહ સંદર્ભે થયેલ દાંડીયાત્રા સમક્ષ નતમસ્તક થવાના પ્રધાનમંત્રીના આયોજનનો કોઇ વાંધો હોઇ જ ના શકે, પરંતુ સાથો સાથ કોંગ્રેસ પક્ષને એના વડવાઓએ કરેલ સંઘર્ષને સ્મરણ કરવાનો એટલો જ હકક છે સાથે સાથે બીજી વાત એ પણ છે કે દેશના કોઇપણ નાગરીકને પોતાના દેશની ગૌરવાન્વિત વિરાસત વાગોળવાનો અધિકાર છે. જે સરકાર કેવી રીતે રોકી શકે? જેથી આ મામલે હસ્તક્ષેપ કરવા અને 1રમી માર્ચ 2021 ના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાદ કોંગ્રેસ પક્ષ પણ દાંડીયાત્રા કાઢશે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આજરોજ મિડિયા સમક્ષ જણાવ્યું હતું.