સહકાર રોડ પર આંગણીયા પુત્ર સહિત ત્રણ શખ્સોએ પાલક પિતાને ઢીબી નાખ્યો
વિજયનગરમાં ’મારે ત્યાંથી દારૂ કેમ નથી લેતો?’ કહી બે મહિલા બુટલેગરે યુવાનને લમઘાર્યો
શહેરમાં એક જ દિવસમાં જુદા જુદા ચાર સ્થળોએ મારામારીની ઘટનાઓ સામે આવી છે જેમાં પ્રૌઢ સહિત ચાર લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં સહકાર રોડ પર આંગણીયા પુત્ર સહિત ત્રણ શખ્સોએ પાલક પિતાને ઢીબી નાખ્યો હતો. જ્યારે વિજયનગરમાં ’મારે ત્યાંથી દારૂ કેમ નથી લેતો?’ કહી બે મહિલા બુટલેગરે યુવાનને લમઘાર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત મુજબ સહકાર રોડ પર વાલકેશ્વર સોસાયટીમાં રહેતા બકુલભાઈ નારસિંગભાઈ ચોથાણી નામના 40 વર્ષના યુવાનને તેના આંગણીયા પુત્ર વિવેક તથા દિવ્ય અને જીજ્ઞેશ નામના શખ્સોએ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બકુલભાઈના પત્નીના અગાઉ રવિ સાથે લગ્ન થયા હતા. જેની સાથે છૂટાછેડા લઈ તેઓ બકુલભાઈ સાથે રહેતા હતા. જેની સાથે આંગણી આવેલા પુત્ર વિવેક સહિતના શખ્સોએ તેમને માર માર્યાનું જણાવ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં થોરાળા વિસ્તારમાં વિજયનગર શેરી -11માં રહેતા જીગ્નેશભાઈ દેશાભાઈ મકવાણા નામના 34 વર્ષીય યુવાનને શુબુદીન અને રેખા ખીમસુરિયાએ રાત્રીના સ્વામી નારાયણ સ્કૂલ પાસે ઈટના ઘા મારતાં તેને દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જીગ્નેશ ભાઈ જણાવ્યું હતું કે પોતાને દારૂ પીવાની ટેવ હોય પરંતુ તેણે શુભુદ્દીન અને રેખા પાસેથી દારૂ ન ખરીદતા બંને મહિલા બુટલેગરોએ હુમલો કર્યો હતો.
ત્રીજા બનાવમાં દૂધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતાં સુલતાનભાઈ નાથાભાઈ સોલંકી (ઉ.વ.52) એ એ.ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સુલેમાન અલ્લારખા બુધિયા, રસીદાબેન ઇમરાન સોલંકી અને રહેમતબેન સુલેમાન બુધિયા તથા એક અજાણ્યાં શખ્સનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓ રીક્ષા ચલાવે છે અને તેમના પુત્રના લગ્ન વર્ષ 2014માં રામનાથપરા શેરી નં.2માં રહેતા સુલેમાન બુધિયાની પુત્રી રસીદા સાથે થયેલા હતાં. પરંતુ તેના પુત્ર અને પુત્રવધુને મનમેળ ન રહેતા પુત્રવધુ બે વર્ષથી રિસામણે તેમના પિતાના ઘરે જતી રહી છે.
ગઈકાલે રાત્રિના તેઓને વેવાઈ સુલેમાન બુધિયાનો ફોન આવેલો હતો અને કહ્યું હતું કે, મારી દીકરી રિસામણે છે તેનું તમારે શું કરવાનું છે? જેથી તેઓને કહ્યું હતું કે, હું હમણાં તમારા ઘરે પુત્રવધૂને તેડવા આવું છું કહીં બાદમાં તેમનાં ઘરે ગયા હતાં અને પુત્રવધૂને તૈયાર થઈ જાવ હું તમને તેડવા આવ્યો છું, કહેતાં સુલેમાન એકદમ ઉશ્કેરાઈ ગયો અને તેઓને તેમજ તેના પુત્ર ઇમરાનને ગાળો આપી સુલેમાનની પત્ની રહેમત, તેની પુત્રી રસીદા અને એક અજાણ્યાં શખ્સે તેમને પકડી રાખી સુલેમાને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી છરીના બે ઘા ઝીંક્યા હતા.ચોથા બનાવમાં આંબેડકર નગરમાં રહેતા અને ડ્રાઇવિંગ નું કામકાજ કરતા વસંતભાઈ માવજીભાઈ ભોજાણી નામના 35 વર્ષના યુવાને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે પોતે પોતાની કાર લઈને જતા હતા ત્યારે લાલ ઉર્ફે પ્રકાશ ચંદુ મૈયડાએ પોતાનું વાહન આડે ઊભી રાખી તારું મકાન ખાલી કરી રમેશ રાણાને આપુ દેજે તેવી ધમકી આપી છરી ઝીંકી દીધી હતી. પોલીસે તમામ ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.