માર્જીનમાં ખડકાયેલું દબાણ નોટિસ મળ્યા બાદ તોડતા હોવા છતાં ટીપી શાખાનો કાફલો ત્રાટકતા હોબાળો: પૈસા માંગ્યા હોવાનો પણ આક્ષેપ, મેયર સુધી ફરિયાદ પહોંચતા તપાસના આદેશ

છાશવારે વિવાદમાં આવતી કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનું ભોપાળું વધુ એક વખત પ્રકાશમાં આવ્યું છે. આજે સવારે શહેરના વોર્ડ નં.7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક ઇન્ડસ્ટ્રીયલ એકમમાં ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી ટીપી શાખા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતાં. મામલો મેયર સુધી પહોંચતા આ અંગે ડો.પ્રદિપ ડવે મ્યુનિ.કમિશનર અમિત અરોરાનું ધ્યાન દોર્યું હતું અને તત્કાલ ટીપી શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરાવાના આદેશ આપ્યા હતાં.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં.7/11માં કમલેશભાઇ સાવલીયા અને અશ્ર્વિનભાઇ સાવલીયા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોરમાં માર્જીનની જગ્યામાં વાણિજ્ય હેતુનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હતું. ટીપી શાખા દ્વારા ગત આઠ ફેબ્રુઆરી અને ચાર માર્ચના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી અને બાંધકામ દૂર કરવા તાકીદ કરાઇ હતી. છતાં બાંધકામ દૂર ન કરાતા આજે વોર્ડ નં.7ના એટીપી કાપડીયા સહિતનો કાફલો ડિમોલીશન કરવા માટે ત્રાટક્યો હતો.

Screenshot 8 27

આ વેળાએ કોર્પોરેશનના અધિકારીઓ અને કારખાનાના માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બાંધકામ કરતા કારખાનાના માલિકોએ એવો દાવો કર્યો હતો કે નોટિસ મળ્યા બાદ બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તેમના પિતાના હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના કારણે એક દિવસ પૂરતી કામગીરી બંધ રાખવામાં આવી હતી. ટીપી શાખાના અધિકારીઓ સામે એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે ગેરકાયદે બાંધકામ ન તોડવા માટે પૈસા માંગ્યા હતા જે ન આપતા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.

આ વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ઉગ્ર માથાકૂટ થતા ટીપી શાખાનો કાફલો કામગીરી અડધી મૂકીને નીકળી ગયો હતો. દરમિયાન અસરગ્રસ્તો મેયર ડો.પ્રદિપ ડવ સમક્ષ રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતાં. તેઓએ સમગ્ર હકિકત જણાવતા મેયરે પણ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મ્યુનિ.કમિશનરને સમગ્ર ઘટનાની તપાસ કરાવવા માટે સૂચના આપી છે અને શક્ય તેટલો ઝડપથી રિપોર્ટ આપવા તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.