રાજકોટમાં દિન પ્રતિદિન ખાખીનો ખોફ ઓસરી રહ્યા હોય તેવા છાસવારે બનાવો બનતા હોય છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના લાખના બંગલા પાસે આવેલા ભારતીનગરમાં રાત્રીના ભરવાડના બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાતા ભાજપ કાર્યકર સહિત પાંચ લોકો ઘવાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગાંધીગ્રામ પોલીસે 11 શખ્સો વિરુદ્ધ રાયોટ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામસામે ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે 11 વિરુદ્ધ રાયોટ સહિતનો ગુનો નોંધ્યો
પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારતીનગર શેરી નંબર 2 માં રહેતા અને છૂટક દૂધનો વેપાર કરતા અમિત રૂપાભાઈ સોહલા(ઉ.વ. 33) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા ભાજપના કાર્યકર જયુ સાંગડીયા, જીગ્નેશ,મયુર, ભાવેશ અને રવિના નામ આપ્યા છે. અમિત સોહલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલ રાત્રિના આઠેક વાગ્યા આસપાસ તે તથા તેનો ભાઈ પંકજ અને ભત્રીજો કિશન ઘરની બહાર ફટાકડા ફોડતા હતા ત્યારે બાજુની શેરીમાં રહેતા તેમના સંબંધિ જીગ્નેશ, જયું, મયુર, ભાવેશ અને રવિ નામના શખ્સો આવી પહોંચ્યા હતા અને અગાઉ બે દિવસ પૂર્વે લગ્નમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી ગાળો ભાંડવા લાગ્યા હતા.
ગાળા-ગાળીથી ઉદ્ભવેલો ડખો ત્યારબાદ ઝઘડામાં પરિવર્તિત થઈ ગયો હતો. અમિત સોહલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ગાળો બોલવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાઈ જઈ છરી કાઢી તેના ડાબા પગે સાથળના ભાગે છરીના ઘા જીકી દીધા હતા તથા તેની સાથે રહેલા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં અમિતના નાના ભાઈ પંકજને પણ સાથળના ભાગે છરીનો ઘા મારી દેવામાં આવ્યો હતો.
ઝઘડામાં છોડાવવા પડેલ અમિતની પત્ની સેજલને પણ જીગ્નેશએ કોણી તથા પડખાના ભાગે પાઇપના ઘા ફટકારી મૂઢમાર ઈઝા પહોંચાડી હતી. ત્યારે દેકારો થતા આસપાસના લોકો એકત્ર થઈ જતા યુવાન તથા તેના ભાઈને વધુ મારામારી માંથી બચાવ્યા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે અમિતની ફરિયાદ પરથી પોલીસે પાંચેય આરોપીઓ સામે મારામારી અને રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી બાજુ સામા પક્ષે ભારતીનગર શેરી નંબર 2માં રહેતા ભાજપના કાર્યકર જય ગોવિંદભાઈ સાંગડીયા (ઉં.વ. 27) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૂપા સોહલા, અમિત, પંકજ, કિશન સિંધવ, રાજલબેન તથા રયાબેનના નામ આપવામાં આવ્યા છે.
જય સાંગડીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે સંબંધીના લગ્નમાં અમિત સાથે ભેટો થયો હોય ત્યારે અમિતે હું ભાજપનો કાર્યકર હોય તે બાબતે ઘસાતું બોલી ઝઘડો કર્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યા આસપાસ જય શેરીના ખૂણે ઊભો હોય ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ યુવાનને ઢીંકા-પાટટુનો માર માર્યો હતો.
ઝઘડામાં રૂપાભાઈના પત્ની રયાબેન અને તેની પુત્રવધુ રાજલે લોખંડના પાઇપ વડે જય સાંગડિયાની સ્કૂલ વાનના કાચ ફોડી નાખ્યા હતા. દરમિયાન યુવાનનો ભાઈ જીગ્નેશ તથા તેના ભાભી રાધાબેન આવી જતા તેમને પણ ધોકા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. આ સમયે યુવાનના ભાઈ સહિતનાએ તેને વધુ મારમાંથી બચાવ્યો હતો અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ અંગે જય સાંગડીયાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે મારામારી, રાયોટ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.