આતંકીઓને ઠાર મારવા એન્કાઉન્ટર ચાલુ
નેશનલ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સેનાએ પોલીસ સાથે મળીને સોમવારે વહેલી સવારે કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ઘેરાબંધી તોડવાના પ્રયાસમાં સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે, જો કે હાલમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમણે કહ્યું કે આતંકવાદીઓના ભાગી જવાના તમામ સંભવિત રસ્તાઓને રોકવા માટે વધારાના સુરક્ષા કર્મચારીઓને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
આ પહેલાના દિવસોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પરંતુ પછી એ સ્પષ્ટ થયું કે સુરક્ષા દળો એ આ ગોળીબાર શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી જાણવા માટે કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જંગલોમાં 2 કે 3 આતંકવાદી છુપાયેલા છે. બંને તરફથી ગોળીનો વરસાદ વરસી રહ્યો છે.
મળેલી જાણકારી મુજબ આ પહેલા જમ્મુ-કશ્મીરના કોકરનાગમાં 13 સપ્ટેમ્બરે આતંકવાદી સાથે જુથ અથડામણમાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ઘોંચક અને જમ્મુ-કશ્મીર પોલીસના ડીએસપી હૂમાયૂ ભટ શહીદ થઈ ગયા હતા. આ પછી ઘણા દિવસો સુધી ચાલેલા સેના ઓપરેશનમાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા. આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ઉઝૈર ખાન પણ માર્યો ગયો હતો. તેમજ બારામુલા અને રાજૌરીમાં પણ 4 આતંકવાદીને એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા.