બે હરીફ ધંધાર્થીઓએ મુસાફર બેસાડવા મામલે યુવાન પર કર્યો હુમલો
શહેરમાં એસટી બસ સ્ટેશન પાસે પેસેન્જર ભરવા મુદ્દે રીક્ષાના ધંધાર્થી વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં મુસાફર ભરવા મામલે બ હરીફ ધંધાર્થીઓએ યુવાન પર હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર આવેલા ગોકુલપાર્કમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દર્પણ યોગેશભાઈ કાગદડીયા નામનો 28 વર્ષનો યુવાન ગઈકાલે સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં એસટી બસ સ્ટેશન પાસે હતો ત્યારે પેસેન્જર ભરવાના પ્રશ્ને હરીફ ધંધાર્થી રીક્ષા ચાલક રાણો અને બાબુએ ઝઘડો કરી ડિસમિસ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દર્પણ કાગદડીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં રહેતો ચેતન સુનિલભાઈ ઝાલા નામનો 20 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં રીક્ષા લઈ કુબલીયાપરામાં ભાડું મૂકવા ગયો હતો. ત્યારે પ્રદીપ સોલંકી નામના શખ્સે રીક્ષા ચાલક ચેતન ઝાલા સાથે ઝઘડો કરી ગળાના ભાગ્યો સળીયો મારી દીધો હતો. યુવાનને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.