સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર રહેતી હોય છે. ત્યારે હરરોજની હજારોની ઓપીડીમાં આવતા દર્દીઓ માટે વ્યવસ્થા અને સુવિધાઓને લઈને ફરી એકવાર તંત્રની ઉણપ દેખાઈ રહી છે. ત્યારે આજરોજ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા આઠ નંબરના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા પ્યુન અને દર્દીઓ વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં એક દર્દી જાળીમાંથી આવીને નીચે બેસવા જતા વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મીના હાથે ધક્કો લાગી જતા બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.
જેના પગલે થોડીવારમાં જ મોટી સંખ્યામાં ઉભેલા દર્દીઓ અને તેના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને જાળીને તથા ફરજ પરના કર્મચારીઓને ધક્કો મારી દર્દીઓને સંબંધીઓએ પરાણે વિભાગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોત જોતામાં મામલો મોટા પાયે બીજ ખાતા સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ઇન્ચાર્જ સહિતનો સ્ટાફ ઓર્થોપેડિક વિભાગમાં દોડી આવ્યો હતો. ત્યાં સુધી ભારે ભરખમ ભીડને કાબુ કરવા માટે ફરજ પરના કર્મચારીઓએ જાળીને તાળા મારી દર્દીઓને અંદર આવવા માટે પ્રવેશ બંધ કરી દેતા બહાર લાઈનમાં ઉભેલા દર્દીઓએ દેકારો શરૂ કરી દીધો હતો.
ત્યારબાદ અડધી કલાક સુધી ચાલેલી આ માથાકૂટને લઈ તબીબો અને દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. મોટી સંખ્યામાં આવતા દર્દીઓને સાચવવા માટે તેમજ તેની સુવિધાઓ અને વ્યવસ્થામાં જરૂરી પ્રયત્નો કરવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. સિવિલ હોસ્પિટલના અમુક વિભાગોમાં લાંબી કટારો લાગતી હોય છે જેને કાબુ કરવા માટે માત્ર પીવું નહીં પરંતુ સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં હાજર રહે તો આવી માથાકૂટભરી સ્થિતિનું નિર્માણ ઓછું થાય તેવું ત્યાં ઉભેલા દર્દીઓનું માનવું છે.