કોમન પ્લોટમાં અવરજવર મામલે બંને પક્ષો સામસામે આવી ગયા: આખરે સમાધાન
શહેરના ગોંડલ રોડ પર માયાણીનગર પાસેના પટેલ કોલોનીમાં આવેલી હોસ્ટેલ નજીકના કોમન પ્લોટમાં જવાના રસ્તા બાબતે લતાવાસીઓ પર હોસ્ટેલ માલિકના મળતિયાઓએ ધોકા,પાઇપ અને હથિયારના છુટ્ટા ઘા કરી સરાજાહેર મારામારી કરી હતી. જે હુમલામાં એક વૃધ્ધને ઈજા થતા તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા માલવિયાનગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી કરતા બન્ને પક્ષે સમજાવટ થતા બંને પક્ષે સમાધાન થયું હતું અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માયાણીનગર પાસેના પટેલ કોલોનીમાં રહેતા નરશીભાઈ મોહનભાઈ ઝાલાવડિયા (ઉ.વ.62) રાત્રિના તેના ઘર પાસે હતા ત્યારે કેટલાક અજાણ્યા શખસોએ ધોકા,પાઇપ અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ કે.યુ.વાળા સહિતના સ્ટાફે તપાસ હાથધરી હતી.
આ બનાવમાં ત્યાંની સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે,પટેલ કોલોની સોસાયટીના કોમન પ્લોટની બાજુમાં એક હોસ્ટેલ આવી છે. આ હોસ્ટેલમાં જવા માટે સોસાયટીમાંથી જઈ શકાય તેમ છે. ત્યાં દરવાજો હોય જે કાયમી બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં આ હોસ્ટેલ કલ્પેશભાઈ વસોયાએ ખરીદી હોય તેમનો સમાન મુકવા માટે અમારી સોસાયટીમાં આવેલા કોમન પ્લોટના ગેઇટથી જઇ શકાતું હોય માટે તેઓએ થોડા દિવસ માટે દરવાજો ખોલી ત્યાંથી સામાન મુકવાનું કહેતા તેઓને દરવાજો ખોલી આપ્યો હતો. ત્યારબાદ તે લોકો ત્યાંથી જ અવરજવર કરતા હોય જેથી ચારેક મહિના પૂર્વે કલ્પેશભાઈ વસોયાને આ બાબતે વાત કરતા તેઓ સમાધાન કરવા માંગતા ન હોય જેથી સોસાયટીમાં રહેતા લોકો દ્વારા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અરજી કરી હતી.
જેથી અરજીનો ખાર રાખી પ્લોટ પચાવી પાડવાના ઇરાદે કલ્પેશભાઈએ તેમના મળતીયાઓ મોકલી સોસાયટીના રહીશો પર હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં વૃદ્ધ ઘવાયા હતા.જયારે સામા પક્ષે પણ વૃધ્ધ સહિતનાઓએ માર માર્યાના આક્ષેપ સાથે લોકો પોલીસ મથકે દોડી ગયા હતા. આ બનાવને પગલે માલવિયાનગર પોલીસ સ્ટેશને પહોચી કોમન પ્લોટ બાબતે બન્ને પક્ષો વચ્ચે સમજાવટ કરતા બન્ને પક્ષોએ હાલ પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને કલ્પેશભાઈ વસોયાએ કોમન પ્લોટના દરવાજાથી અંદર નહીં આવવા અને ત્યાં દીવાલ બનાવી આપવા બાંહેધરી આપી હતી. જેથી બંને પક્ષે હાલ સમાધાન થઈ ગયાનું પોલીસમાંથી જાણવા મળ્યું હતું.