- થોડા દીવસ પૂર્વે સિવિલમાં સુરક્ષાની માંગણીના નારા લગાવ્યા, તબીબો હવે વ્યવસ્થાના પાલનથી કંટાળ્યા ??
- ઈમરજન્સી વિભાગમાં સિક્યુરિટી સ્ટાફ કાર્ડ વગર તબીબને જવા ન દેતા દર્દી રામભરોસે !!!
સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી સુરક્ષાની માંગ કરી રહેલા સિવિલ હોસ્પિટલના તબીબો હવે સુરક્ષવ્યવસ્થાના કડક પાલનથી જ કંટાળ્યા છે. ઉપરોક્ત તસવીરમાં નજરે જણાતો સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આજ સિક્યુરિટી ગાર્ડ દ્વારા આઈ કાર્ડ દેખાડ્યા બાદ અંદર જવાનું કહેવામાં આવતા,રોષે ભરાયો અને આઈ કાર્ડ હાજરમાં ન હોવાથી અંદર ન જવા દેવામાં આવતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઉભેલા જણાય રહ્યાં છે. જો ઈમરજન્સી વિભાગના તબીબોને જ અંદર નહિ જવા દેવામાં આવે તો ઈમરજન્સી વિભાગમાં દર્દીને કશું થઈ જશે,તો એની જવાબદારી કોની રહેશે ??
રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બની રહે છે,ત્યારે થોડા સમય પૂર્વે કરવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટેની માંગણીને અંતે સિવિલમાં એક્સ આર્મીમેનની નિમણુક કરવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષાને પગલે સિવિલ સિક્યુરિટી દર્દી અને તેના સગાથી માંડીને તબીબ સુધી સર્વેની પૂછપરછ અને તપાસ કર્યા બાદ જ ઈમરજન્સી રૂમમાં જવાની પરવાનગી આપી રહ્યા છે.જેથી ગત ત્રણેક દિવસથી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની આગળ રોજ આઈ કાર્ડને લઈને સિક્યુરિટી ગાર્ડ અને તબીબ વચ્ચે માથાકૂટ થતી નજરે પડે છે.સિવિલમાં લોખંડી સિક્યુરિટીની માંગણી હવે તબીબોને ભારે પડતી જણાય છે. સિક્યુરિટી ગાર્ડને મળેલા નિર્દેશન મુજબ તેઓ દરેક વ્યક્તિની ઓળખ અને તપાસનો પુરાવો માંગીને જ ઈમરજન્સી વિભાગમાં જવાની પરવાનગી આપી રહ્યા છે.
આ જ વર્તણુંક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના રેસિડેન્ટ તબીબો સાથે પણ કરવામાં આવે છે.જેથી રોજ આઈ કાર્ડ દેખાડીને ઈમરજન્સી વિભાગમાં દાખલ થવાની આ નવી પદ્ધતિ તબીબોને ભારે પડતી જણાય રહી છે. ઉપરોક્ત તસવીર મુજબ આઈ કાર્ડ વગર અંદર ન જવા દેતા તબીબો હાલ ઈમરજન્સી વિભાગના બહારના કેમ્પસમાં ઉભેલા જણાય રહ્યા છે.સિવિલ હોસ્પિટલના તબીબોની સુરક્ષાની માંગણી તો પૂર્ણ થઈ ગઈ પરંતુ સિક્યુરિટી ગાર્ડનું વ્યવસ્થિત સંચાલન અને તબીબો સાથે રોજની માથાકૂટને પગલે તેનું નુકસાન દર્દીને ન ભોગવવું પડે તેની તાકીદે સિવિલમાં સિક્યુરિટી ગાર્ડનું વ્યવસ્થિત સંચાલન થવું પણ એટલું જ અનિવાર્ય થઈ પડ્યું છે.