રામજી મંદિરના પટાંગણમાં બાંધેલી પાંચ ગાય અને બે ભેંસને પકડવા માટે આવેલા કોર્પોરેશનના કાફલાને માલધારીઓના ટોળાએ ઢોર પકડવા વિના જ ભગાડ્યા
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગરમાં આજે સવારે રખડતા-ભટકતા ઢોર પકડવા ગયેલા કોર્પોરેશનના કાફલા અને માલધારીઓના ટોળા વચ્ચે જબરી બબાલ થવા પામી હતી. દરમિયાન ઢોર પકડ પાર્ટીનો કાફલો ઢોર પકડ્યા વિના ખાલી હાથે પરત ફર્યો હતો.
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એકાદ પખવાડીયા પૂર્વ એક યુવતીને આખલાએ અડફેટે લેતા યુવતીને ગંભીર ઇજા થવા પામી હતી. આ ઘટના બાદ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી હતી. ભારતીનગર વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ અંગેની ફરિયાદ મળતા આજે સવારે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીનો સ્ટાફ ચુસ્ત વિજીલન્સ બંદોબસ્ત સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગર શેરી નં.1માં ત્રાટક્યો હતો. અહિં રામજી મંદિરના મેદાનમાં બાંધેલી પાંચ દુઝણી ગાય અને બે ભેંસને ખીલેથી છોડી ઢોર ડબ્બામાં પુરવાની કામગીરી શરૂ કરાતાની સાથે જ આસપાસના વિસ્તારોમાંથી માલધારી સમાજના લોકો એકત્રીત થઇ ગયા હતા. કોર્પોરેશનના સ્ટાફ અને માલધારીઓ વચ્ચે જબરૂ ઘર્ષણ થયું હતું. પરિણામે ઢોર પકડ્યા વિના જ કોર્પોરેશનનો કાફલો પરત ફર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીનગર વિસ્તારમાં ગત સપ્તાહે પણ કોર્પોરેશનના સ્ટાફ અને માલધારીઓ વચ્ચે બબાલ સર્જાય હતી. અગાઉ પણ અનેક વખત માથાકૂટ થઇ ચૂકી છે. ગઇકાલે બજરંગવાડી વિસ્તારમાં જાગૃત્તિ સોસાયટીમાં પણ ઢોર પકડતી વેળાએ માથાકૂટ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ગાંધીગ્રામમાં એક સપ્તાહમાં બીજી વખત માલધારી અને ઢોર પકડ પાર્ટી વચ્ચે ધર્ષણ
ગાંધીગ્રામ વિસ્તારમાં પખવાડીયા પહેલા ઢોરનો ત્રાસ વધતા અનેક લોકોને ઇજા થઇ હતી. જેમાં કોર્પોરેશન ઢોર પકડ પાર્ટી દ્વારા દરોડો પાડી રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ગઇ કાલે સાંજના સમયે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ભોનેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં આર.એમ.સી. સ્ટોક ઇન્સ્પેકટર જયસિંહ પ્રતાપસિંહ ડાભી સહિતનો સ્ટાફ એક વાછડાને પકડવા જતાં માલધારીનું ટોળું આવી ગયું હતું
તે દરમિયાન એક શખ્સે સ્ટોક ઇન્સ્પેકટરને આ તમારો વિસ્તાર નથી અને તમે ઢોર ન પકડી શકો તેમ કહીને ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ ટોળામા રહેલા અમુક શખ્સોએ લોખંડનો સળિયો બતાવી અને મહિલાઓએ પણ સ્ટાફ સાથે ઘર્ષણ કરવા લાગતા મામલો બિચકયો હતો.
જોતજોતામાં ઢોર પકડ પાર્ટીના સ્ટાફ અને સ્ટોક ઇન્સ્પેકટરને ટોળાએ ઘેરી લીધા હતા અને તેમાંથી જયેશ કાના મીર નામના શખ્સે જયસિંહનો કાટલો પકડી બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ તુરંત તેને પકડી ગાડીમાં બેસાડી ગાંધીગ્રામ પોલીસ મથક પર લઈ ગયા હતા. જ્યાં પોલીસે જયેશ કાના મિત અને એક અજાણ્યા શખ્સ સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.