- લોકસંપર્ક અભિયાન દરમિયાન લોકોએ નગરસેવકોનો હુરીયો બોલાવ્યાની ચર્ચા: બે દિવસથી કોર્પોરેટરોએ જનસંપર્ક કરી દીધો બંધ
લોકસભાની ચૂંટણી સમયે જ સત્તાધારી પક્ષ ભાજપનું ઘર જાણે સળગી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. આવાસ યોજનામાં કૌભાંડની શંકાના આધારે ગઇકાલે બે નગરસેવિકાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન વોર્ડ નં.16માં ભાજપના સંગઠનના હોદ્ેદારો અને કોર્પોરેટરો વચ્ચે બબાલ થયા હોવાનું જાણવામાં મળી રહ્યું છે. બે દિવસથી કોર્પોરેટરોએ લોકસંપર્ક અભિયાનમાં પણ જવાનું બંધ કરી દીધું છે.
આ અંગે વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરના તમામ વોર્ડમાં લોકસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં વોર્ડ નં.16માં વોર્ડના સંગઠનના હોદ્ેદારો અને ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો લોકસંપર્કમાં નીકળ્યા હતા. કોઇ ચોક્કસ વિસ્તારમાં વિકાસ કામોને લઇ વોર્ડના લોકોએ કોર્પોરેટરનો હુરીયો બોલાવ્યો હતો. જેના કારણે સંપર્ક અભિયાન અધુરૂં મૂકીને નીકળી જવાની ફરજ પડી હતી. વોર્ડ નં.16ના ભાજપના સંગઠનના હોદ્ેદારોએ કોર્પોરેટરો સામે એવો આક્ષેપ લગાવ્યો હતો કે તમે કામ કરતા ન હોવાના કારણે લોકો રોષનો સામનો અમારે કરવાની ફરજ પડે છે. આ મામલે કોર્પોરેટરો અને સંગઠનના હોદ્ેદારો વચ્ચે બરાબરની જામી હોવાની ચર્ચા પણ કાર્યકરોમાં થઇ રહી છે. આ ઘટના બન્યા બાદ છેલ્લા બે દિવસથી વોર્ડ નં.16ના કોર્પોરેટરો લોકસભાની ચૂંટણી સંદર્ભે ચાલી રહેલા લોકસંપર્ક અભિયાનમાં જોડાતા ન હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ સુધી પણ ફરિયાદ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેવુબેન અને વજીબેનનું ચેપ્ટર ક્લોઝ કરો મોંઢા બંધ રાખવા પ્રદેશમાંથી આદેશ છૂટ્યા
મનસુખભાઇ જાદવ અને કવા ગોલતરે આચરેલા આવાસ કૌભાંડ મામલે નગરસેવિકા દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની અસર લોકસભાની ચૂંટણીમાં ન પડે તે માટે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા શહેર ભાજપના જવાબદાર હોદ્ેદાર અને કોર્પોરેશનના પદાધિકારીઓને હવે આ ચેપ્ટર ક્લોઝ કરી દેવા કડક સૂચના આપવામાં આવી છે. અખબાર કે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ સામે આ અંગે કોઇ ચર્ચા ન કરવા જણાવી દેવામાં આવ્યું છે.