વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર હર્ષદ રિબડીયાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવ્યો
પાર્ટીને મજબૂત કરવા માટે વર્ષોથી કાળી મજૂરી કરનારા ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં વધુ એકવાર કચવાટ જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ફરી એકવાર કમલમમાં કોંગ્રેસીઓ માટે લાલજાજમ બિછાવી દેવામાં આવી છે. બે દિવસ પૂર્વ કોંગ્રેસનો સાથ છોડી વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેનાર હર્ષદભાઇ રિબડીયાને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
15મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો જીતવા માટે સત્તાધારી પક્ષ ભાજપે હવે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. એક સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે હવે ભાજપમાં કોઇ કોંગ્રેસી નેતાને પ્રવેશ આપવામાં આવશે નહી. જો કે તેવુનું આ નિવેદન હવે ચૂંટણી નજીક આવતા જાણે ફરી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. વિસાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ગત મંગળવારે જ્યારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ ત્યારે એક વાત નિશ્ર્ચિત બની જવા પામી હતી કે તેઓ ભાજપમાં પ્રવેશ કરશે. દરમિયાન આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેઓની માટે લાલ જાજમ બિછાવવામાં આવી હતી અને ખુદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેઓને કેસરિયો ખેસ પહેરાવી વિધિવત રિતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન છેડનાર ભાજપ જ હવે કોંગ્રેસ મુક્ત બની ગયું છે. કારણ કે સંગઠન અને સરકાર એમ બંનેમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા માટે કાળી મજૂરી કરતા પાયાના સંનિષ્ઠ કાર્યકરોના હૈયા હાલ બળી રહ્યા છે અને કચવાટ જોવા મળી રહ્યો છે. એક સમયે જેની સામે ચૂંટણીમાં લડ્યા હતા. હવે તેને જીતાડવા માટે મજૂરી કરવાના દિવસો આવ્યા છે.
રાજકારણમાં ક્યારેય કોઇ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતા નથી. પરંતુ ભાજપે જે રીતે દેશભરમાં તમામ પક્ષોને તોડવાનું રાજકારણ શરૂ કર્યું છે તે લોકશાહી માટે સૌથી ખતરનાક છે. કારણ કે વિપક્ષ જ ખતમ થઇ જશે તો વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં જનતાનો પ્રશ્ર્ન કોણ ઉઠાવશે તેવા પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
કોઇપણ અપેક્ષા વિના માત્રને માત્ર ભાજપની વિચારધારાને વળગી વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા માટે રાત-દિવસ એક કરનારા કાર્યકરોના હૈયા ઉકળી રહ્યા છે. કારણ કે કોંગ્રેસમાંથી આવનાર નેતાઓને ભાજપમાં તરત જ મોટા હોદ્ા પર બેસાડી દેવામાં આવે છે. જેનાથી વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરો અને આગેવાનોના ભાગે માત્રને માત્ર મજૂરી જ આવે છે. આજે હર્ષદ રિબડીયાને ભાજપમાં વિધિવત રિતે પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ પાંચ ધારાસભ્યો માટે કમલમમાં લાલ જાજમ બિછાવવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીત મેળવવા માંગે છે. આ ટારગેટને પુરો કરવામાં કોંગ્રેસના નેતાઓ માટે ભાજપ લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે.