- આપણાં દેશ માટે પાંચ મિનિટ, દર પાંચ વર્ષે, કાઢી શકાય તેમ છે માટે, આપણે તમામ ગૌરવથી મતદાન કરીએ
- સંવૈધાનિક લોકશાહી તરીકે આપણાં રાષ્ટ્રની શક્તિ છે કે દરેક વ્યક્તિ એક સમાન નાગરિક છે અને દરેકનો મત એક સમાન મહત્વ ધરાવે છે
- સરકારને ચૂંટવામાં આપણા દરેકની મતદાન દ્વારા ભાગીદારીરૂપ ભૂમિકા
ભારતના ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડે તાજેતરમાં પ્રસાર ભારતી સાથે કરેલા એક સંવાદમાં મતદારોને મતદાન અવશ્ય કરવા માટે અપીલ કરી હતી અને પોતાની મતદાનને લગતી યાદો તાજા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,
‘એક ભારતીય તરીકે આપણે સૌ વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિકો છીએ. ભારતનું સંવિધાન એક નાગરિક તરીકે આપણને ઘણાબધાં અધિકારો આપે છે. પરતું એ એવી પણ અપેક્ષા રાખે છે કે આપણે દરેક આપણને સોંપાયેલ ફરજોને પણ નિભાવીએ. નાગરિકત્વની સૌપ્રથમ ફરજ એ છે કે આપણે મત આપીએ. સંવૈધાનિક લોકશાહીમાં સરકાર એ લોકોની, લોકો દ્વારા અને લોકો માટે હોય છે. આપણે એવું એટલા માટે કહી શકીએ છીએ કારણ કે સરકારને ચૂંટવામાં આપણા દરેકની ભાગીદારીરૂપ ભૂમિકા હોય છે.’
‘મને યાદ છે કે હું જ્યારે યુવાન હતો અને જ્યારે મેં મતદાન માટેની લાયકાતની ઉંમર વટાવી ત્યારે મારા હ્રદયમાં પ્રથમ વખત હું મતદાન મથકે લાઇનમાં ઊભો રહીશ અને મતાધિકારનો પ્રયોગ કરીશ તેનો ઉત્સાહ હતો. જ્યારે મેં મત આપ્યો ત્યારે આંગળી પર શાહીનું નિશાન લાગ્યું. આ નિશાને મારામાં દેશભક્તિની અને મારા દેશ સાથે સંબંધ સ્થપાયાની જબરદસ્ત લાગણીઓ જન્માવી. ઘણીવાર આપણાં હાથ પર શાહીનું નિશાન પડે તો આપણે વિચારતા હોઈએ કે આ ક્યારે જશે? પણ આ એક એવું શાહીનું નિશાન છે કે જે ક્યારેય ન જાય તેવું હું ઇચ્છતો હતો. કારણકે હું મારી જાતને એક ગૌરવવંતા પ્રદર્શક તરીકે જોતો જે એક ભારતીય નાગરિક તરીકે લાયકાતની ઉંમરને પાર કરેલો પોતાનો મત આપી શકે છે અને ખરેખર તેણે મત આપ્યો છે. મતદાનનો દિવસ હંમેશા મારા માટે અનેક લાગણીઓ જન્માવનારો બની રહે છે.’
‘વોટ કરવા આવેલા લોકોની મોટી લાઇનમાંનો હું ભલે એક જ વ્યક્તી છું, પણ અમારામાંનો દરેક વ્યક્તિ એક સમાન નાગરિક છે અને દરેકનો મત એકસમાન મહત્વ ધરાવે છે. આપણું સંવિધાન અને કાયદો ‘એક વોટ, એક નાગરિક અને એક મહત્વ’ સુનિશ્ચિત કરે છે. મારા મતે આ મક્કમતા એક સંવૈધાનિક લોકશાહી તરીકે આપણાં રાષ્ટ્રની શક્તિ છે.’
‘જ્યારે હું વકીલ બન્યો, અને મારે મુંબઈ અને બાહર અલગ અલગ જગ્યાએ કામ માટે દોડધામ રહેતી, ત્યારે મને હંમેશા એ ચિંતા રહેતી કે હું એ મહત્વનો દિવસ કે જ્યારે મારે મત આપવાનો હોય તે ચૂકુ નહીં. અને મે ક્યારેય ભારતીય નાગરિક તરીકે મારાથી અપેક્ષિત એ ફરજ ચૂકી નથી. એવી જ રીતે હું આપ તમામને વિનંતી કરું છુ કે આપણી મહાન માતૃભૂમીના નાગરીકો તરીકે આપણી જવાબદારીપૂર્વક મત આપવાની આ તક ન ચુકીએ. આપણાં દેશ માટે પાંચ મિનિટ, દર પાંચ વર્ષે અવશ્ય કાઢી શકાય તેમ છે. આથી, આપણે તમામ ગૌરવપૂર્ણ રીતે અચૂક મતદાન કરીએ.’