સિવિલને જ સારવારની જરૂર

 

 અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રભરના મોટી સંખ્યામાં દર્દીઓ જ્યાં સારવાર માટે આવે છે તે હોસ્પિટલ જ માંદગીના બિછાને પડી છે. સિવિલને સારવારની જરૂરી બની હોય તેમ રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં સપડાય છે. પેધી ગયેલા સ્ટાફના તુમાખી ભર્યા સ્વભાવના કારણે દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓ પરેશાની વેઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને લાવવા અને લઇ જવા માટે આપવામાં આવેલા નવા સ્ટેચરનો માનતા વિહોણા બની ગયેલા સ્ટાફ દ્વારા ઉપયોગ ન કરી ધરાર જુના સ્ટેચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા પુરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. અને દર્દીઓની સુવિધા માટે જરૂરી સાધનો આપવામાં આવે છે પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા પેધી ગયેલા સ્ટાફ તેની મનમાની મુજબ જ વર્તન કરી દર્દીઓને આપવામાં આવતી સુવિધાથી વંચિત રાખી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ દર્દીઓને લાવવા-લઇ જવા માટે નવા સ્ટેચર ફાળવવામાં આવ્યા છે. નવા સ્ટેચર દર્દી માટે ઉપયોગ કરવાના બદલે હોસ્પિટલના સ્ટાફ દ્વારા લોખંડની સાકળથી લોક કરી દેવામાં આવ્યા છે. અને બેરીંગ વિનાના ભંગાર બની ગયેલા સ્ટેચરનો જ ધરાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવા સ્ટેચર સાઇડમાં મુકી જુના સ્ટેચરનો ઉપયોગ કરવા પાછળ હોસ્પિટલ તંત્રનું કે સ્ટાફનું જે કંઇ ગણિત હોય પરંતુ નવા સ્ટેચર હાલ તો હોસ્પિટલમાં શોભાના ગાઢીયા જેવા બની ગયા છે. નવા સ્ટેચરને લોક કરીને રાખી દેતા હાલ ધૂળ ખાઇ રહ્યા છે. અને દર્દીઓ સારી સુવિધાથી વંચિત રહી રહ્યા છે. ત્યારે હોસ્પિટલના જવાબદારો સત્વરે આ અંગે ઘટતુ કરે તો દર્દીઓ માટે ફાળવવામાં આવેલા સ્ટેચરનો દર્દી માટે ઉપયોગ થઇ શકે તેમ છે.સિવિલ હોસ્પિટલની અંદરના માર્ગ બિસ્માર બની ગયા હોવાથી દર્દીઓને અન્ય વિભાગમાં વ્હીલ ચેર અને સ્ટેચરમાં લઇ જવામાં આવતા હોય ત્યારે ગબડી પડવાની અને એમ્બ્યુલશમાં પંચર પડવા જેવી ઘટના રોજીંદી બની ગઇ છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ પર પકક્ડ ન હોવાના કારણે જ સ્ટાફ પેધી ગયો છે. તો બીજી તરફ ઉચ્ચ અધિકારીની ઉદાસીનતાના કારણે હોસ્પિટલ ધણી ધોળી વિનાની બની ગઇ છે.

હોસ્પિટલના જવાબદારો દ્વારા જ કરાતા આંખ આડા કાન

જ્યાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યાં દર્દીઓને સારી સારવાર અને સુવિધા મળી રહે તે જોવાની સીધી જવાબદારી છે તે સિવિલ હોસ્પિટલના જવાબદારો વ્યવસ્થા સંભાળવામાં અને સ્ટાફ પાસેથી કામ લેવામાં નિષ્ફળ રહેતા હોય તેમ અથવા તો હોસ્પિટલની સમસ્યાનું સોલ્યુશન લાવવાના બદલે જાણી જોઇ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલના ખાટલે મોટી ખોટ: પેધી ગયેલા સ્ટાફથી દર્દીઓ પરેશાન

નવા સ્ટેચરનો ઉપયોગ કરવાના બદલે લોખંડની સાંકળથી તાળા માર્યા અને વર્ષો જુના સ્ટેચરનો ઉપયોગ

જયાં ગંદકી ત્યાં માંદગીના મુકેલા બોર્ડ પાસે જ ગંદકી

સમગ્ર દેશમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવાનું ન હોય તે રીતે સિવિલ હોસ્પિટલમાં પીવા માટેના પાણીનું બનાવેલું પરબ પર જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ત્યાંજ ગંદકીના ખાબોચીયા ભરાયા છે. અહીં માત્ર સફાઇ કરવામાં આવે તો પણ ગંદકી ઓછી થઇ શકે તેમ છે. અને માંદગી દુર રહે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.