લેબર રૂમ નજીક ફ્લોર ધોતી વેળાએ લટકતો વાયર પાણીમાં અડી જતા કરન્ટ લાગ્યો
સિવિલ હોસ્પિટલનુ તંત્ર જાણે ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે.અનેક વાર વિવાદોમાં સપડાયા બાદ ફરી વાર હોસ્પિટલની ઘોર બેદરકારીના સામે આવી છે.આજે સવારના સમયે એક સર્વન્ટ મહિલા હોસ્પિટલના લેબર રૂમ નજીક ફ્લોર ધોઇ સાફ સફાઈ કરી રહી હતી તે વેળાએ એક લટકતો વાયર પાણીમાં અડી જતા મહિલાને વીજ શોક લાગતા તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અને તુરત જ વાયરનો પાવર કટ કરવામાં આવ્યો હતો.
વિગતો મુજબ આજે સવારના સમયે જાનાબેન ગોબરભાઈ ચાવડા નામના 45 વર્ષીય સર્વન્ટ મહિલા સિવિલ હોસ્પિટલના લેબરરૂમ નજીક સફાઈ કરી રહ્યા હતા ત્યારે ફ્લોર ધોતી વેળાએ લટકતો વાયર પાણીમાં અડી જતા વીજ કરંટ પ્રસરતા તેમને વીજ શોક લાગતા ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ હોસ્પિટલ તંત્રને થતા તેમના દ્વારા તુરંત જ વાયર નો પાવર કટ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ સિવિલ તંત્ર ખાડે ગયું હોય તેવી ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા જર્જરીત ટાકાની પોપડો પડતા એક મહિલાને ઈજા પહોંચી હતી ત્યારે ફરી એકવાર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.