વહેલી સવારથી લોકો સિવિક સેન્ટરોએ ઉમટયા છતાં દરવાજા ૧૦ વાગ્યા સુધી ન ખુલ્યા: કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે દરવાજા ખોલાવી અરજદારોના બેસવાની વ્યવસ્થા કરી: મોટાભાગનાં સેન્ટરો અને બેંકો પર આવાસનાં ફોર્મ મેળવવા લોકોની કતારો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા સ્માર્ટ ઘર હેઠળ ૨૧૭૬ આવાસ બનાવવામાં આવનાર છે. જેનાં માટેનાં ફોર્મનું વિતરણ ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક અને સિવીક સેન્ટરો ખાતેથી ફોર્મનું વિતરણ કરવામાં આવતું હોય અરજદારોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. આજે સવારે સિવીક સેન્ટરોનાં સર્વરો ઠપ્પ થઈ જતાં કચેરીએ ફોર્મ સમયસર ન પહોંચતા લોકોએ બીજે દિવસે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કચેરીનાં દરવાજા પણ ૧૦ વાગ્યા સુધી ન ખુલતાં અંતે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે દરવાજા ખોલાવી અરજદારોને બેસવાની વ્યવસ્થા કરી હતી.
ગઈકાલથી મહાપાલિકા દ્વારા સ્માર્ટ ઘર આવાસ યોજના માટેનાં ફોર્મનું વિતરણ આઈસીઆઈસીઆઈ બેંકની ૧૪ શાખાઓ અને ૬ સિવીક સેન્ટર ખાતેથી કરવામાં આવ્યું છે. આજે સવારે શહેરનાં વોર્ડ નં.૧૩માં ગુરુપ્રસાદ ચોકમાં આવેલા કોર્પોરેશનનાં સિવીક સેન્ટર ખાતે વહેલી સવારે ૬ વાગ્યાથી લોકોની લાંબી લાઈનો લાગી હતી. ૧૦ વાગ્યા સુધી કચેરીનાં દરવાજા ન ખોલતા અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આવામાં કોંગી કોર્પોરેટરે અધિકારીઓને ફોન કરી કચેરીનાં દરવાજા ખોલાવ્યા હતા અને અરજદારોને છાયામાં બેસવા માટેની વ્યવસ્થા કરી હતી. હાલાકી ઓછી હોય તેમ અધુરામાં પૂરું સિવિક સેન્ટરનાં સર્વર ૧૦ થી ૧૫ મિનિટ માટે બંધ થઈ જતાં ભારે દેકારો બોલી ગયો હતો. મોટાભાગનાં સિવીક સેન્ટરો પર મેન્યુઅલી ફોર્મ આપવાની વ્યવસ્થા કરવી પડી હતી. અનેક સ્થળે કચેરી ખુલ્લી ગયા બાદ પણ આવાસનાં ફોર્મ ન પહોંચતા લોકોની હાલાકી સતત બીજે દિવસે પણ જારી રહેવા પામી હતી. ગઈકાલે ફોર્મ માટે ભારે અફરા-તફરી મચી જવા પામી હતી અને લોકોને વચ્ચે મારા-મારી પણ થવાના બનાવો બન્યા હતા જોકે આજે થોડું ઓછું ટ્રાફિક જોવા મળ્યું હતું જોકે પુરતી વ્યવસ્થા ન હોવાનાં કારણે લોકોની હાલાકી યથાવત રહેવા પામી હતી.