ભગવતીપરામાં જય નંદનવન સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ: ત્રાહીમામ લત્તાવાસીઓ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા
મેઘરાજાએ મહેર કરતા રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં નવા નીર હિલોળા રહ્યાં છે. ગત રવિવારે પડેલા ૮ ઈંચ જેટલા ભારે વરસાદથી આખુ શહેર પાણી-પાણી થઈ ગયું છે. આવા માહોલ વચ્ચે પણ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયાના મત વિસ્તાર એવા વોર્ડ નં.૪માં નંદનવન સોસાયટીમાં પાણીના બેસુમાર ધાંધીયા સર્જાયા છે. ઘણા સમયથી ખુબજ ઓછા ફોર્સથી અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવતું હોય આજે લત્તાવાસીઓનું ટોળુ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યું હતું અને પાણી પ્રશ્ર્ને મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં આવેલ જય નંદનવન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધીયા સર્જાયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પ્રશ્ર્ન હલ થતો નથી. વોર્ડના રહેવાસી નંદાભાઈ ડાંગરની આગેવાનીમાં કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, હાલ શહેરમાં પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે. છતાં વોર્ડ નં.૪ના નંદનવન સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણીના ધાંધીયા છે. આવામાં હયાત પાઈપ લાઈન બદલાવી તેના સ્થાને મોટી પાઈપ લાઈન નાખવામાં આવે તો સમસ્યા દૂર થાય તેમ છે.