ઠેર-ઠેર ટ્રાફીમ જામ: મેળામાં જવા નિકળેલા વાહન ચાલકો ચાર રસ્તામાં ફસાયા: બે-બે કિલોમીટરની વાહનોની લાંબી લાઇન માધાપર ચોકડી, આજી ડેમ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, કાલાવડ રોડ સહીત અનેક સ્થળોએ સર્જાઇ ટ્રાફીકની સમસ્યા
રંગીલા રાજકોટની પ્રજાએ સાતમ-આઠમના તહેવાર દરમ્યાન રજાની મજા માણવાની સાથે સાથે શહેરમાં ઠેર ઠેર ટ્રાફીક જામની સજા પણ ભોગવી પડી હતી. જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન શહેરમાં ઠેર ઠેર ટ્રાફીકની સમસ્યા સર્જાતા લોકો મેળામાં જવા નીકળ્યા બાદ ચાર રસ્તા પર ફસાયા હતા અને વાહનોની લાંબી લાઇન વચ્ચે કલાકો સુધી ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
હાલ મંદીના માહોલ વચ્ચે તા. રર-૮ થી ૨૬-૮ સુધી રેસકોર્ષ ખાતે ‘મલ્હાર’લોક મેળાનું આયોજન સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સાતમ આઠમના તહેવારનું સૌરાષ્ટ્રમાં ભારે મહતવ હોવાથી શહેરના ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનાઓના સંચાલકો દ્વારા ગત બુધવારથી આગામી ગુરુવાર સુધી ૧૦ દિવસની રજા જાહેર કરી હોવાથી અને અન્ય રોજગાર ધંધામાં પણ તહેવાર નીમીની પાંચ દિવસની રજા રાખવામાં આવી હોવાથી રંગીલા રાજકોટ ની પ્રજાએ ‘મલ્હાર’લોક મેળો માણવાની તડામાર તૈયારીઓ કરી હતી પરંતુ શહેરમાં ફરી એકવાર ઠેર ઠેર ટ્રાફીકની સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
ઘરેથી મેળાની મોજ માણવા નિકળતા લોકોને શહેરની વકરી રહેલી ટ્રાફીક સમસ્યાનો કડવો અનુભવ કરવો પડયો હતો. શહેરના આજી ડેમ ચોકડી, ગોંડલ ચોકડી, સહીતના અનેક સ્થળોએ ચાર રસ્તા પર ટ્રાફીક સમસ્યા સર્જાઇ હતી.
બબ્બે કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી જતાં લાંબી લાઇનો જોવા મળી રહી હતી. કલાકો સુધી વાહન ચાલકો લાંબી લાઇનમાં ફસાય હતા. પોલીસે કાયદો વ્યવસ્થા જાણાવવા અથાક પ્રયાસો કર્યા હતા. પરંતુ ટ્રાફીકની સમસ્યાના કારણે લોકોને વધુ એક વાર કડવો અનુભવ થયો હતો.
રાજકોટના લોક મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળાની મજા લેવા આવતા હોય અને લાખોની જનમેદની મેળામાં ઉમડી પડી હોવાથી શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવા મેળામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હોવાથી શહેરભરના પોલીસ મથકના તમામ સ્ટાફને બંદોબસ્ત ફરજ પર મેળા ખાતે તૈનાત કરી જવાયા હતા. જેના કારણે શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફીકની સમસ્યાને નીવારી શકાઇ નહોતી.
રાજકોટની પ્રજા લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે કરી શકે તે માટે શહેર ટ્રાફીક કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અસરકારક પોલીસ બંદોબસ્ત ‘મલ્હાર’ લોકમેળા ખાતે ગોઠવ્યો હતો. જયારે શહેરમાં અન્ય આઠ સ્થળોએ પણ નાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પોલીસે તે સ્થળ પર પણ બદોબસ્ત ગોઠવ્યો હતો.
૧૦ લાખથથી વધુ લોકોએ મેળાની મજા માણી હતી મેળામાં ખોવાયેલા ૧૦૪ જેટલા નાના બાળકોને તેના વાલીને પરત સોંપી દેવામાં આવ્યા હતા. ૧૨૦૦૦ જેટલા બાળકોને ઓળખ કાર્ડ પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા.
‘મલ્હાર’ લોકમેળામાં ૧૭૮ લોકોને પોતાના મોબાઇલ ફોન ગુમાવ્યા હતા જેમાંથી ખોવાયેલા ચાર મોબાઇલ ફોન પોલીસે પરત આપ્યા હતા.
મેળાની ભીડનો લાભ લઇ સ્ક્રિય બનેલા ખીસ્સા કાતરુને પોલીસે પકડી પાડવા કમર કસી હતી અને ૭૦ થી વધુ ખિસ્સા કાતરુને પોલીસે પકડી પાડયા હતા. જયારે મેળામાં લુખ્ખાગીરી કરતા અને મહીલાની છેડતી કરતા રપ થી વધુ રોમીયાને પોલીસે કાયદાનું ભાગ કરાવ્યું હતું.