મહાપાલિકા તંત્રએ સિટી બસ તથા અન્ય વાહનોનું પાકિંગ સ્ટેન્ડ બનાવતા અહીં પડયા પાથર્યા રહેતા લુખ્ખા તત્વોના કારણે ગંદકી, બેફામ વાણી વિલાસ સામાન્ય બની ગયા છે: આડેધડ થતા પાકીંગના કારણે દુકાનદારો ત્રાહિમામ
એક સમયે રાજકોટ શહેરનું હાર્દ સમાન ગણાતુ ત્રિકોણબાગ મહાનગરપાલિકા તંત્રના અણધાડ વહીવટના કારણે અસામાજીક તત્વોના અડ્ડા સમાન બની જવા પામ્યો છે. મહાનગરપાલિકા તંત્રએ અહીં સીટી બસનું પાકિંગ બનાવતા લૂખ્ખા તત્વો અહીં પડયા પાર્થયા રહે છે. આવા તત્વો જાહેરમાં ગંદકી કરવાની સાથે અવાર નવાર ઝગડો કરીને અભદ્દ વર્તન કરતા રહે છે. આવા બેફામ વર્તનના કારણે અહીંથી મહીલાઓને પસાર થવું મુશ્કેલ રુપ બની ગયું છે. ઉપરાંત અહીં બનાવવામાં આવેલ પાકીંગ સ્થાનમાં થતા આડેધડ પાકીંગના કારણે આ વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે.
આધુનિક સૌરાષ્ટ્રના આર્ધદષ્ટા અને સાદગીપૂર્ણ જીવન જીવનારા સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરની જયાં પ્રતિમા આવેલી છે તેવા ત્રિકોણબાગમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા થોડા સમય પહેલા પાકીંગ સ્ટેન્ડ તથા સીટી બસનું પાકીંગ બનાવવામાં આવ્યું છે. તંત્રના આવા અવિચારી નિર્ણયના કારણે આ પાકીંગ સ્ટેન્ડ બન્યા બાદ અનેક અસામાજીક દુષણો ઘર કરી ગયા છે. પાકિંગ સ્ટેન્ડ બન્યા બાદ લુખ્ખા અને અસામાજીક તત્વો અહીં પડયા પાર્થયા રહે છે. આવા તત્વો જાહેરમાં ગંદકી કરીને તંત્રના સ્વચ્છતા મિશનનું ચિરહરણ કરી રહ્યા છે. સીટી બસમાં આવતી જતી મહિલાઓ અહી ઉતરતી હોય જયારે માથાભારે લુખ્ખા તત્વો જાહેરમાં બિભત્સ વર્તન કરીને તેમની છેડતી કરવાના પ્રયાસો કરતાં રહે છે.
આ વિસ્તારમાં આવેલી ઢેબરભાઇની પ્રતિમાની ગરીમા જાળવ્યા વગર લુખ્ખા તત્વો અવાર નવાર જાહેરમાં ઝગડો કરીને ગાળાગાળી કરતા હોય મહિલાઓને અહીંથી પસાર થવું મુશ્કેલરૂપ બની રહ્યું છે. ઉપરાંત પાકિંગ સ્ટેન્ડમાં વાહનો પાર્ક કરતા વાહનચાલકો આડેધડ રીતે વાહનો મુકીને જતા રહેતા હોય જેના કારણે અનેકવખતે ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી રહી છે. આ સમસ્યાની તથા ગંદકીના કારણે અહીં દુકાન ધરાવતા દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે. આ દુકાનદારો અહીંથી સીટી બસ અને અન્ય વાહનોનું પાકીંગ સ્ટેન્ડ અન્યત્ર ફેરવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ સમસ્યા અંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરાવીને પાકિંગને લગતી સમસ્યા હશે તો યોગ્ય કરવા આદેશ કરાશે.
ત્રિકોણબાગમાં ગંદકી અને આડેધડ પાકિંગની સમસ્યા બેકાબુ: અભેસંગ ડોડીયા
અબતક સાથેની વાતચીતમાં અહીં દુકાન ધરાવતા અભેસિંહ ડોડીયા એ જણાવ્યું હતું કે અહીં પાકિંગ બનાવ્યું છે પણ પાકીંગનું કોઇ મતલબ નથી. અહીંથી બસમાં બેસવાવાળા બહેનો હોય કે ભાઇઓ તેમની હાજરીમાં અહી પડયા પાર્થયા રહેતા માથાભારે શખ્સો ગાળાગાળી કરતા હોય તેથી બહેનોને ભારે મુશ્કેલી પડે છે. રાજકોટની મોટામાં મોટી ગંદકી ત્રિકોણબાગમાં થાય છે. બીજી મોટી સમસ્યા વેપારીઓને પાકિંગ છે ઉપરાંત આવારા તત્વોની સમસ્યા પણ વિકરાળ છે એના માટે મહાનગરપાલિકા તંત્ર ત્રિકોણબાગને ચોખ્ખુ રાખે એવું ઘ્યાન રાખવાની જરુરી છે. હજુ સુધી મહાનગરપાલિકા તંત્રમાં કાંઇ ફરીયાદ નથી કરી પરંતુ લોકો ગમે તે કચરો ફેંકી ગંદકી કરે છે. ફુટપાથ પર ચાલવાની જગ્યા નથી. લોકો ગમે ત્યાં પાકિંગ કરી નાખે છે.
મહાપાલિકા તંત્ર વિવિધ સમસ્યાઓ અંગે કાર્યવાહી કરે: અશ્ર્વિનભાઇ
અબતક સાથેની વાતચીતમાં અન્ય એક દુકાનદાર અશ્ર્વીનભાઇ એ જણાવ્યું કે ત્રિકોણબાગ ચોકમાં પાકિંગની ખુબ મોટી સમસ્યા છે અહી બસ કાર જેવા વાહનો ખુબ જ અવ્યવસ્થાથી પાકીંગ કરવામાં આવે છે. જે ખાલી પડેલી જગ્યા પર રાખી દેવામાં આવે તો વ્યવસ્થા જળવાઇ તેવી માંગ છે. અને બીજી સાસફસફાઇ અને મોદીજી સાફ સફાઇ અભિયાન માટે અવાર નવાર જણાવે છે તો સફાઇ જળવાઇ તો સારું રહે તેવી લાગણી વ્યકત કરી હતી.