બાતમીદાર અને ટેકનોલોજીના સહારે સજજ બનેલી પોલીસે ગુનેગારો પર ધાક બેસાડી: સુરક્ષા કવચ એપ દ્વારા ગુનેગારોને વારંવાર ચેક કરવામાં આવતા ગુનોઓનું પ્રમાણ ધટયું
રાજકોટ શહેરમાં ગત વર્ષ ૨૦૧૮ ની સરખામણીએ પોલીસે ટેકનોલોજી અને બાતમીદારોના નેટવર્કથી ગુન્હેગારો પર ધાક બેસાડી હોવાથી ગત વર્ષ કરતાં ૨૦૧૯ ના વર્ષમાં ૧૮ ટકા જેટલો ધટાડો જોવા મળ્યો છે.
આ અંગેની વિગત આપતા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષ ર૦૧૮ ના વર્ષમાં ૨૪૩૭ ગુન્હા બન્યા હતા જેની સરખામણીએ આ વર્ષ ૨૦૧૯માં ૧૯૯૫ ગુના બન્યા છે. જેમાં કુલ ૪૪૨ ગુનાનો નોંધપાત્ર ધટાડો થયો છે. રાજકોટ શહેરના છેલ્લા ર૦ વર્ષના ઇતિહાસમાં ૧૮ ટકા જેટલો ગુનામાં ધટાડો નોંધાયો હોવાની પ્ર્રથમ ધટના બની છે. પોલીસ સ્ટાફે આધુનિક કરણ અપનાવી બાતમીદારોનું નેટવર્ક તથા ટેકનોલોજીના સહારે સજજ બનતા ગુનેગારો ધાક બેસાડી છે. અને સુરક્ષા કવર એપના માઘ્યમથી વારંવાર ગુનેગારોને ચેક કરવામાં આવતા હોવાથી પણ તેના પર પોલીસની બાજ નજર રહેતી હોવાથી પણ ગુનાઓનું પ્રમાણ ધટયું છે. મહિલાઓની સુરક્ષાને લઇને શહેર પોલીસ કમિશ્નર દ્વારા સુરક્ષિત એપ તથા દુર્ગા શકિત ટીમ બનાવી મહીલાઓને મુશ્કેલીના સમયે સ્થળ પર જ મદદ કરવા માટે ટીમ દ્વારા શરુઆત કરવામાં આવી છે. શહેરની યુનિવર્સિટી, કોલેજોમાં યુવાનોને વ્યસનથી દુર રહેવા વિવિધ સેમીનારોનું પણ કોલેજોમાં આયોજન કરવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવતા બેંકમાંથી ઓન લાઇન નાણાકીય છેતરપીંડી નો ભોગ બનનારને રૂ ૯૫૧૯૦૯૯ રકમ અરજદારોને પરત આપી હતી. મોબાઇલ ગુમ થયા અંગે ૧૫૩૧ અરજીઓ આવી હતી. તેમાં પોલીસે અરજદારોને રૂ ૨૦૬૩૩૨૩૦ નો મોબાઇલ રીકવર કરી પરત આપ્યા છે. સોશ્યલ મીડીયામાં મુખ્યત્વે મહીલાઓને હેરાન ગતિ થતી હોય તેને ઘ્યાને રાખી હેમુ ગઢવી હો.માં ૨૦૦૦ જેટલી સંખ્યામાં શાળા, કોલેજ ની વિઘાર્થીઓ તથા યુવકોને સાયબર ક્રાઇમ ની જાણકારી આપી સજા કરવાની કામગીરી કરવામાં આવી છે. શહેરમાં આઇ-વે પ્રોજેકટ હેઠળ અલગ અલગ ૨૧૯ જગ્યા એ ૯૪૭ સીસી ટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી ૩૦૦ થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
શહેરના ક્રાઈમમાં ગત વર્ષ કરતાં ૪૪૨ ગુના ધટ્યા છે. જેમાં ગત વર્ષ કરતા ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં મુખ્યત્વે ખુનમાં ૧૧ ટકા, ઘાડમાં ૧૦૦ ટકા, લુંટમાં ૪૧ ટકા, ઘરફોડ ચોરીમાં ૨૫ ટકા, સાદી ચોરીમાં ૩૮ ટકા, બીગાડમાં ૪૪ ટકા, મનુષ્ય હરણ નયનમાં ૨૮ ટકા તથા એક્સીડન્ટોમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
શહેરમાં દેશી વિદેશી દારુને નેસ્ત નાબુદ કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરી આ વર્ષે પ્રોહિબીશનના કુલ ૩૪૮૮ કેસો કરી ૨૩૪૯ આરોપીઓને પકડી લઈ ૨૨૪૯૪ લીટર દેશી દા જેની કિંમત રૂ. ૩૫૪૦૩૦ તથા વિદેશી દાની બોટલ નંગ ૧૦૦૧૨૩ જેની કિંમત ૩૭૧૧૭૪૫૦ તથા વાહનો ૨૨૦ મળી કુલ રૂ. ૭૧૬૦૫૬૦૦નો મુદ્દામાલ કબ્જે બુટલેગરો પર ઘોંસ બોલાવી છે. શહેરમાં અસામાજીક પ્રવૃત્તિ અને ગેરકાયદે હથિયારો દ્વારા થતા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી કુલ ૨૫ કેસો કરી કુલ ૨૯ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ૨૭ પીસ્ટલ, ૧૩ તમંચા, ૩ રીવોલ્વર, ૧ રાઈફલ મળી કુલ ૪૨ હથીયારો કબ્જે કર્યા છે. પોલીસે વરસાદની સીઝનમાં અતિવૃષ્ટિમાં પણ પોલીસ ખડે પગે રહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં ચાલુ વરસાદમાં પણ પોતાના જીવના જોખમે બાળકો, વૃદ્ધો મહિલાઓને સ્થળાંતર કરી બચાવી પોતાની ફરજ નીભાવી હતી. શહેર પોલીસ દ્વારા લોકોને વ્યાજના વિષ ચક્રમાંથી બહાર કાઢવા લોક દરબાર યોજી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી વ્યાજંકવાદ અંગેની ૨૦૯ અરજીઓમાં તપાસ કરી લોકો ને ન્યાય અપાવી ૧૭ જેટલા ગુના નોંધી ૪૧ આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.