ભાજપનો સામાન્ય કાર્યકર પણ તૂટતો નથી આ તો સીટીંગ કોર્પોરેટર ગયા !!!
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વોર્ડ નં.૫ના ભાજપના નગરસેવિકા દક્ષાબેન ભેંસાણીયાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો: માર્કેટીંગ યાર્ડના ડિરેકટરો, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ, યુવા ભાજપના કાર્યકરો, એબીવીપીના
આગેવાનો અને અનેક સામાજિક કાર્યકરોના કોંગ્રેસ પ્રવેશથી મહાપાલિકાની ચૂંટણી પૂર્વે જ ભાજપને જોરદાર ફટકો
સંગઠનનો ગઢ ગણાતા રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોને અંધારામાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના કાર્યકારી અધ્યક્ષ અને કદાવર પાટીદાર નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન એવા રાજકોટ શહેરમાં જબરો ખેલ પાડી દીધો છે. મહાપાલિકાની સામાન્ય ચૂંટણીને આડે હવે ત્રણ માસથી પણ ઓછો સમયગાળો બચ્યો છે. ત્યારે રાજકોટમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫ના ભાજપના શીટીંગ મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને તેમના પતિ અરવિંદભાઈ ભેંસાણીયા સહિતના ભાજપના અનેક આગેવાનોએ આજે કેસરીયો ખેસ ફગાવી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડિરેકટર, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ, યુવા ભાજપના અનેક કાર્યકરો, એબીપીવીના કાર્યકરો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ આજે કોંગ્રેસનો હાથ પકડી લેતા ભાજપને જોરદાર ફટકો પડ્યો છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફરી સત્તારૂઢ કરવા માટે કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે જોરશોરથી તૈયારી આરંભી દીધી છે. આજે રાજકોટની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉનમાં જ ભાજપને કળ ન વડે તેવો મરણતોલ ફટકો માર્યો છે. શહેર ભાજપના પ્રમુખ સહિતના કદાવર નેતાઓ, પ્રદેશ અગ્રણીઓને અંધારામાં રાખી હાર્દિકે ઓપરેશન પાર પાડી દીધુ હતું. રાજકોટમાં સામાન્ય રીતે ભાજપના કાર્યકરને તોડવો હોય તો પણ કોઈપણ રાજકીય પક્ષ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની જતું હોય છે. આવામાં હાર્દિક પટેલ અને શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે રાતો-રાત ગુપ્ત ઓપરેશન આદરી વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા કે જેઓ છેલ્લા ઘણશ સમયથી ભાજપથી નારાજ છે તેઓને મનાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવી લીધો હતો.
આજે સવારે નાગર બોર્ડીંગ ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પત્રકાર પરિષદમાં વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેંસારીયા તેમના પતિ અને ભાજપન આગેવાન અરવિંદ ભેંસાણીયા, વોર્ડ નં.૫ના યુવા ભાજપ મહામંત્રી કશ્યપ ભેંસાણીયા, ભાજપ આગેવાન હરેશ ચાવડા, રાજેશ લીંબાસીયા અને ધૃમીલ લુણાગરીયાએ ભાજપનો કેસરીયો ખેસ ફગાવી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ, ખેડૂત આગેવાન, સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર અતુલ કામાણી, યાર્ડના ડાયરેકટર વલ્લભભાઈ પટેલ, વેપારી આગેવાન કિશોરભાઈ દોંગા, સંજયભાઈ ગઢીયા, મહેશભાઈ તળાવીયા, કિશનભાઈ ચભાડીયા, મેહુલભાઈ સોજીત્રા, વિરલભાઈ ડોબરીયા, ધર્મેશભાઈ વેકરીયા, વિનુભાઈ ગઢીયા અને માનસુરભાઈ રંગાણી, યુવા ભાજપ આગેવાન ગૌતમ પટેલ, એબીપીવીપીના હોદ્દેદાર રોનક પ્રજાપતિ, ઉર્વિષ દવે, સાગર, નિખીલ રામાણી, ઉદય બોરીચા, દર્શન બોરીચા, જયરાજ માયલા, ગોપાલ ડાંગર અને પ્રશાંતભાઈ ગેરીયા ઉપરાંત સામાજિક આગેવાનો પુનમબેન શિંગાળા, અલ્કાબેન જોશી, ધારા પટેલ, આરતી પટેલ, રીંપલ ભાલાળા, રજનીકાંત ગજેરા, મગન શંખાવરા, સંજય જોશી અને ડેનીશ પટેલ સહિતના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એવો હુંકાર કર્યો હતો કે, મહાપાલિકામાં આગામી જનરલ બોર્ડ કોંગ્રેસનું હશે. સામાન્ય રીતે કોઈ કાર્યકર પણ કોંગ્રેસમાં જવાનો હોય તો તે વાતની દિવસો અગાઉ ભાજપને ખબર પડી જતી હોય છે તેવું તાકાતવર નેટવર્ક રાજકોટમાં ભાજપ ધરાવે છે. પરંતુ ઉત્સાહના અતિરેકમાં કમલેશ મીરાણી સહિત ભાજપના કદાવર નેતાઓ અંધારામાં રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. હાલ ભાજપ ભલે એવું કહી રહ્યો હોય કે દક્ષાબેનના જવાથી કોઈ ફર્ક પડતો નથી પરંતુ પીએમના હોમ ટાઉનમાં એક શીટીંગ નગરસેવકનું તુટવું તે ભાજપ માટે સારી નિશાની નથી અને આની નોંધ પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા પણ લેવામાં આવે તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવી ટકોર કરી હતી કે, જુથવાદ ચલાવી લેવામાં આવશે નહીં પરંતુ જે રીતે શીટીંગ કોર્પોરેટરે ભાજપનો ખેસ ફગાવ્યો તે પરથી એવું લાગી રહ્યું છે. શહેર ભાજપમાં ભયંકર હદે જુથવાદ ચાલી રહ્યો છે. આ ઘટનાની નોંધ લઈ આગામી દિવસોમાં ભાજપના સ્થાનિક નેતાગીરીને પણ હાઈ કમાન્ડ ઉધડો લે તેવી શકયતા નકારી શકાતી નથી.
સતત બે વર્ષથી પક્ષમાં અવગણના થતી હતી: ભેંસાણીયા
વોર્ડના વિકાસ કામોમાં ભાજપના જ સાથી નગરસેવકો રોડા નાખતા હોવાનો અરવિંદભાઈ ભેંસાણીયાનો આક્ષેપ
શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫ના ભાજપના શીટીંગ કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ ભાજપનો કેસરીયો ખેસ ઉતારી પંજો પકડી લેતા મહાપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટના રાજકારણમાં નવો જ વળાંક આવ્યો છે. કોંગ્રેસમાં જોડાયેલા દક્ષાબેન ભેંસાણીયાના પતિદેવ અરવિંદભાઈ ભેંસાણીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી પક્ષમાં સતત તેઓની અવગણના થતી હતી. સાઈન બોર્ડ મુકવા અને તેમાં નામ લખવા જેવા સામાન્ય બાબતે પણ વિવાદો ઉભા થતાં હતા. આ માટે તેઓએ અગાઉ રાજીનામુ આપવા સુધીની તૈયારી દર્શાવી હતી. વોર્ડમાં વિકાસ કામોમાં પણ સાથી કોર્પોરેટરો સતત અવરોધ ઉભો કરતા હતા. નગરસેવક બનવા પાછળનું એકમાત્ર કારણ લોકોની સેવા કરવાનું હતું. પરંતુ ભાજપમાં ચાલતી આંતરીક લડાઈના કારણે તેઓ લોકોની સેવા કરી શકતા ન હતા.
સતત અવગણના અને વિકાસ કોમોમાં ઉભા થતા અવરોધથી કંટાળી આજે ભાજપને છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. ટિકિટની શરત કે ચૂંટણી લડવાની કોઈ ખાતરી સાથે કોંગ્રેસમાં જોડાયા નથી માત્ર બિનશરતી પ્રવેશ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વિધિવત રીતે પ્રવેશ કરી લીધો છે પરંતુ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપ્યું નથી. ભાજપને પક્ષાંતર ધારાહેઠળ કોઈપણ કાર્યવાહી કરવી હોય તો તે કરી શકે છે.
હાર્દિક અને તેના મળતીયાઓ સત્તાના સપના જોવાનું બંધ કરી લોકસેવા કરે: કમલેશ મીરાણી
દક્ષાબેન ભેંસાણીયાના કોંગ્રેસ પ્રવેશથી ભાજપને કોઈ રંજ નથી અને નોંધ પણ લેવાઈ નથી: શહેર ભાજપ પ્રમુખની ટંગડી હજી ઉંચી
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે શહેર ભાજપના નેતાઓને અંધારામાં રાખી ખેલ પાડી દીધો છે. વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ કેસરીયો ખેસ ફગાવી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે છતાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની ટંગડી હજી ઉંચી છે. તેઓએ જણાવ્યું હતું કે, દક્ષાબેનનું કોંગ્રેસમાં જવું માત્ર ચૂંટણીલક્ષી ખેલ છે. તેનાથી ભાજપને કોઈ રંજ નથી અને તેની નોંધ પણ લેવામાં આવી નથી. દક્ષાબેન અને તેમના પતિ અરવિંદભાઈ છેલ્લા બે વર્ષથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હતા અને વોર્ડમાં સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે તેઓએ સાઈન બોર્ડનો વિવાદ ઉછાળ્યો હતો અને રાજીનામુ આપવાનું નાટક કર્યું હતું. તેઓ વોર્ડમાં અને પાર્ટીમાં પક્ષ વિરોધી કૃત્ય કરતા હતા. આગામી મહાપાલિકાની ચૂંટણીમાં તેઓને ટીકીટ આપવામાં નહીં આવે તેવું દેખાતા તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભાજપમાં વ્યક્તિથી મોટો પક્ષ છે. તેઓએ અનેકવાર મોટા વિવાદ સર્જી પક્ષને બદનામ કરવાનું કાર્ય કર્યું છે. આ અંગે પાર્ટી દ્વારા અવાર-નવાર સુચનાઓ આપવામાં આવી હતી
પરંતુ તેઓએ હંમેશા અવગણી હતી. મીરાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ બની બેઠેલા હાર્દિક રાજકોટમાં આવી દક્ષાબેન સીવાયના ભાજપના અનેક કોર્પોરેટર ભાજપના તેમના સંપર્કમાં છે તેવું નિવેદન કરી મનોરંજન પૂરું પાડી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યની નારાજગીથી તેઓ અજાણ છે તેવું લાગી રહ્યું છે. જેના કારણે કોંગ્રેસ તૂટી રહી છે. હાર્દિક પહેલે કોંગ્રેસના ધારાસભ્યની ચિંતા કરે અને પછી રાજકોટમાં સુફીયાણી સલાહ કરે.
મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ માત્ર ચૂંટણી લડવાના હેતુ સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. મહાપાલિકામાં હંમેશા ભાજપ નેતૃત્વ કરી રહ્યું છે અને આગામી ચૂંટણીમાં પણ કમળ જ ખીલશે એટલે હાર્દિક અને તેના મળતીયાઓ સત્તાના સપના જોવાનું બંધ કરી લોકસેવામાં લાગી જાય.
ABVPના ૩૦ કાર્યકરો NSUIમાં જોડાયા
અઇટઙના આઠથી વધુ અલગ અલગ કોલેજના હોદેદારો અને ૩૦થી વધુ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલની હાજરીમા વિધિવત કોંગ્રેસમા(NSUI) મા જોડાયા.ભાજપના શાસનમાં વધતી જતી બેરોજગારી અને શિક્ષણનુ ખાનગીકરણ, યુવાવિરોધીનીતીના કારણે તેમજ NSUIની વિદ્યાર્થીલક્ષી કાર્યશૈલીથી પ્રભાવિત થઈ તમામ ABVPના વિદ્યાર્થી નેતાઓએ NSUIમા જોડાયા..આ તમામ અઇટઙના વિદ્યાર્થી નેતાઓ NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતની આગેવાનીમા જોડાયા છે.
ભાજપ ફરી ટિકિટ નહીં આપે તેવો ભય દેખાતા દક્ષાબેને કોંગ્રેસનો પલ્લુ પકડ્યો: અરવિંદ રૈયાણી
ધારાસભ્ય અને વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર અરવિંદ રૈયાણી જણાવ્યું હતું કે, વોર્ડ નં.૫ના વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને તેના પતિ અરવિંદભાઈનું કોંગ્રેસમાં જોડાવું તે માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી ખેલ છે. ભાજપ આગામી ચૂંટણીમાં ફરી ટિકિટ નહીં આપે તેવો ભય દેખાતા ભેંસાણીયા દંપતિએ કોંગ્રેસનો પલ્લુ પકડયો છે. તેઓએ ઉમેર્યું કે, વોર્ડ નં.૫માંથી ચૂંટાયા બાદ દક્ષાબેન ભેંસાણીયાએ વોર્ડમાં પાર્ટી અને સંકલન વિરુધ્ધની પ્રવૃતિઓ કરી હતી. તેના પતિ અરવિંદભાઈ ભેંસાણીયાની સતત દખલગીરીના કારણે વિકાસ કામોમાં પણ મોટો અવરોધ ઉભો થતો હતો. વોર્ડમાં સાઈન બોર્ડ મુકવા મુદ્દે પણ બે વર્ષ પહેલા વિવાદ સજર્યો હતો અને રાજીનામુ આપવાનું નાટક કર્યું હતું. તેઓએ પાર્ટીની સુચનાને અવગણીને પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. શહેર પ્રમુખ દ્વારા અવાર નવાર તેઓને ગેરશિસ્ત અંગે સુચના આપવામાં આવી હતી. ભાજપમાં હંમેશા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે સસ્પેન્શન સુધીના પગલા ભરવામાં કોઈ શેહ શરમ રાખવામાં આવતી નથી.
આગામી ચૂંટણીમાં ફરી પાર્ટી ટિકિટ નહીં આપે તેવો ભય દેખાતા તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.
મીરાણીના પ્રમુખપદે રીપીટ થવા પર ખતરો: ધારાસભ્યને પણ ઠપકો મળશે
દક્ષાબેન ભેંસાણીયાના કોંગ્રેસ પ્રવેશથી મહાપાલિકાની ચૂંટણી પૂર્વે જ સ્થાનિક રાજકારણમાં નવો વણાંક: સામાકાંઠે નવા સમીકરણો રચાય તેવી અટકળો તેજ
મહાપાલિકાની સામાન્ય ચૂંટણીને આડે હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે સંગઠનના ગઢ ગણાતા રાજકોટમાં ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. કમળની પાંદડીઓ ખેડવવાની શરૂઆત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે સીએમના હોમ ટાઉનથી જ કરતા ભાજપ જાણે સમસમી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ ભલે શહેર ભાજપના સ્થાનિક નેતાઓ દક્ષાબેનના જવાથી કોઈ ફેર નહીં પડે કે, કોઈ રંજ નથી તેવું કહી થપ્પાટ મારી ગાલ લાલ રાખવાનો પ્રયાસ કરી રહ્યાં હોય પરંતુ અંદર ખાને આ ઘટના ખુબ મોટી હોવાનું મનાય રહ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આગામી દિવસોમાં મહાનગરો અને જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. સેન્સ દરમિયાન શહેર પ્રમુખ તરીકે એકમાત્ર કમલેશ મીરાણીનું નામ ગયું છે. તેઓને પ્રમુખ પદે રીપીટ કરવામાં આવશે તેવું આજ સુધી લગભગ નિશ્ર્ચિત માનવામાં આવતું હતું પરંતુ દક્ષાબેનના રાજીનામાની ઘટના બાદ મીરાણીની ફરી નિમણૂંક પર ખતરો ઝળુંબી રહ્યો છે. બીજી તરફ દક્ષાબેન રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના સાથી કોર્પોરેટર છે. ધારાસભ્ય ખુદ પોતાનો વોર્ડ સાચવવામાં નિષ્ફળ રહ્યાં હોય તેઓને પણ હાઈ કમાન્ડના કડવા વેણ સાંભળવા પડે તેવું હાલ દેખાઈ રહ્યું છે.
મહાપાલિકાની ચૂંટણીની તૈયારી જોરશોરથી આરંભી દેવામાં આવી છે. પેજ પ્રમુખની યાદી રાજ્યભરમાં સૌપ્રથમ પ્રદેશ અધ્યક્ષને સુપ્રત કરવામાં મોખરે રહેલું રાજકોટ શહેર ભાજપ હવે શીટીંગ ધારાસભ્યના કોંગ્રેસ પ્રવેશથી નવી જ ગુંચવણમાં ફસાઈ ગયું છે. મુખ્યમંત્રીના હોમટાઉન હોવા ઉપરાંત પ્રદેશ ભાજપના અગ્રણી પણ રાજકોટમાં રહેતા હોય આવામાં શીટીંગ નગરસેવકના રાજીનામાના નોંધ ગાંધીનગર સુધી તો લેવાશે જ પરંતુ આડકતરી નોંધ દિલ્હી સુધી લેવાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી. કાર્યકરની સામાન્ય પક્ષ વિરોધી પ્રવૃતિ સામે પણ બાજ નજર રાખતું ભાજપ થાપ ખાઈ ગયું છે.
બે વર્ષથી નારાજ નગરસેવિકાએ હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો ત્યાં સુધી શહેર ભાજપના એક પણ હોદ્દેદારને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે શીટીંગ નગરસેવિકા તૂટી રહ્યાં છે. હાલ ભલે શહેર ભાજપના હોદ્દેદારો એવું ડંફાસો હાંકી રહ્યાં હોય કે દક્ષાબેનને ફરી ટીકીટ આપવાની ન હતી અને તેઓના જવાથી અમને કોઈ રંજ નથી પરંતુ અંદર ખાને આ ઘટનાએ શહેર ભાજપને હલબલાવી દીધું છે. કોર્પોરેટરના કોંગ્રેસ પ્રવેશ બાદ શહેર પ્રમુખની સાથે ધારાસભ્યએ પણ નિવેદન આપવાની જરૂર ઉભી થઈ છે જે દર્શાવે છે કે, ઘટના કેટલી ગંભીર છે. આ ઘટનાથી શહેર ભાજપનું એક જુથ અંદર ખાને હરખાઈ રહ્યું છે.
આજ સુધી તેવું માનવામાં આવતું હતું કે, કમલેશ મીરાણીને પ્રમુખપદે રીપીટ કરવામાં આવશે પરંતુ દક્ષાબેન ભેંસાણીયાના રાજીનામા બાદ સમીકરણોમાં ફેરફાર આવે તેવી શકયતાઓ પણ નકારી શકાતી નથી. ડેમેજ કંટ્રોલ કરવામાં માહિતી ગણાતું ભાજપ આ વખતે થાપ ખાઈ ગયું છે. ધારાસભ્યની જવાબદારી આખા વિસ્તારને સંભાળવાની હોય છે. પરંતુ અરવિંદ રૈયાણી ધારાસભ્યની સાથે નગરસેવક પણ છે અને તેઓના વોર્ડના જ મહિલા કોર્પોરેટરે જ કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. આ ઘટના બાદ ધારાસભ્યને પણ પ્રદેશ હાઈકમાન્ડનો ઠપકો મળે તેવું મનાઈ રહ્યું છે. હાર્દિક પટેલ ભાજપના ગઢમાં ગાબડુ પાડવામાં સફળ રહેતા શહેર કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે અને કાર્યકરોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે.