કેશોદ ચાર ચોક વિસ્તારથી માંગરોળ રોડમાં હાલમાં સી.સી.રોડનું કામ ચાલી રહ્યું છે જે કામ ચાલુ હોવાથી વન-વે રોડ પરથી તમામ નાના-મોટા વાહનો રાહદારીઓ પસાર થાય છે જેથી મોટી ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે જેથી વાહન ચાલકો રાહદારીઓએ પસાર થવું અસહ્ય બને છે તો બીજી તરફ ઈમરજન્સી સેવા ૧૦૮ને પણ પસાર થવુ મુશ્કેલ બને છે. આવો જ એક બનાવ બનવા પામ્યો હતો.
ઈમરજન્સી સેવા ૧૦૮ પસાર થઈ રહી હતી તેવા સમયે ટ્રાફીક જામ થતા વાહનોની લાંબી કતારો જોવા મળતા ૧૦૮ને રીવર્સ લઈ અન્ય માર્ગ ઉપરથી પસાર થવુ પડયું હતું. ટ્રાફિક સમસ્યા ઉપરાંત મોટાભાગે રાત્રીના સમયે રોડ બનાવવામાં આવે છે અને નવા બનેલા રોડમાં બીજા જ દિવસે વાહનો પસાર થવા દેવામાં આવે છે.
અમુક જગ્યાએ લોખંડ પણ જુનુ વપરાતું હોય અને જુના ખોદેલા રોડનું મટીરીયલ ફરીથી વપરાતું હોય તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાચાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું સાથે આ બાબતે વેપારીઓ કે ધાર્મિક સંસ્થાઓ અને વેપારી મહામંડળો આ બાબતે શહેરના વિકાસના કામમાં અંગત રસ દાખવી ખરાઈ કરી તંત્રને રજુઆત કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.