શહેર કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ડીઈઓને રજૂઆત
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં શાળા-કોલેજો બંધ છે ત્યારે ૯ દિવસ પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટની કેટલીક સ્કુલો દ્વારા નવા સત્રની ફિ ઉઘરાવવામાં આવી રહી હતી જેને લઈ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી જોકે આજે ફરી ખાનગી શાળા દ્વારા ફિ વસુલાત કરવાનાં કિસ્સા સામે કોંગ્રેસે આજે ડીઈઓને રજુઆત કરીને આવી સ્કુલો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય ડો.રાજદિપસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ બે વાર ડીઈઓ સમક્ષ ફિ ઉઘરાવતી ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જોકે આજદિન સુધી ડીઈઓ દ્વારા એકપણ પરીપત્ર કે નોટીસ ફટકારવામાં આવી ન હતી જેને લઈને આજે ફરી એકવાર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓ પાસે ૯ દિવસ પહેલા કરવામાં આવેલા આવેદનમાં ખુલાસો માંગવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું કે ડીઈઓ દ્વારા જે ખાનગી સ્કુલો ફિ ઉઘરાવતી હતી તેને નોટીસ આપી દેવામાં આવી છે પરંતુ અમારી માંગ એવી છે કે, જે પણ ખાનગી સ્કુલોએ નવા સત્રની ફિ ઉઘરાવી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજરોજ આપેલા આવેદનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય ડો.રાજદિપસિંહ જાડેજા, શહેર કોંગ્રેસનાં આગેવાન જશવંતસિંહ ભટ્ટી, સુરજ ડેર, રવિ જીતીયા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.