૪૪ પૈકી સીટી બસનાં ૨૩ રૂટ શરૂ કરાયા: સવારે ૬ થી રાત્રીના ૮ વાગ્યા સુધી દોડશે બસ: માસ્ક પહેરવું ફરજિયાત: રૂટ પત્યા બાદ બસને સેનેટાઈઝ કરાશે
કોરોનાને નાથવા માટે ૪ લોકડાઉન અપાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આજથી અનલોક-૧ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરમાં આંતરીક પરીવહન માટે સીટી બસ અને બીઆરટીએસ સેવા શરૂ કરવાનીપણ મંજુરી આપવામાં આવી છે. છેલ્લા અઢી માસથી શહેરમાં બંધ એવી સીટી બસ અને બીઆરટીએસ સેવા આજથી ફરી શરૂ થઈ છે. શહેરનાં ૫૦ ટકા રૂટ પર સીટી બસ દોડવા લાગી છે. જયારે બીઆરટીએસ સેવાનો પણ આરંભ કરી દેવાયો છે. હજી કોરોનાનો કહેર યથાવત હોય પુરી તકેદારી સાથે સેવાઓ શરૂ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા આસીસ્ટન્ટ મેનેજર જયેશ કુકડિયાએ જણાવ્યું હતું કે, ગત ૨૨મી માર્ચથી શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ સેવાનો બંધ છે. અનલોક-૧માં સરકાર દ્વારા સીટી બસ અને બીઆરટીએસ સેવા શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હોય આજ સવારથી શહેરમાં ૫૦ ટકા સીટી બસ અને બીઆરટીએસ બસ દોડવા લાગી છે. હાલ ૪૬ રૂટ પર ૯૦ સીટી બસ દોડી રહી છે જે પૈકી ૨૩ રૂટ પર ૪૫ સીટી બસ શરૂ કરવામાં આવી છે ત્યારે ૧૦ પૈકી ૫ બીઆરટીએસ બસ પણ શરૂ કરાઈ છે. સવારે ૬ વાગ્યાથી લઈ રાત્રીના ૮ વાગ્યા સુધી આ બંને સેવાઓ મુસાફરો માટે ચાલુ રહેશે. બસની કુલ ક્ષમતાનાં માત્ર ૫૦ ટકા જ મુસાફરો ભરવામાં આવશે. તકેદારીનાં ભાગ રૂપે બસમાં જે સીટીંગ વ્યવસ્થા છે અને જેના પર મુસાફરોને બેસવાની મનાઈ છે ત્યારે રેડ કલરની ચોકડી મારી દેવામાં આવી છે. ડ્રાઈવર-કંડકટરને હેન્ડ ગ્લોબ્ઝ અને સેનીટાઈઝર આપવામાં આવ્યા છે. સાથોસાથ થર્મલ ગન પણ અપાઈ છે. બિમાર મુસાફરોએ શકય હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવું તેઓ પણ અનુરોધ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રોજ રૂટનો સમય પૂર્ણ થયા બાદ દરેક બસને પાણીથી ધોવામાં આવશે અને ત્યારબાદ તેને ડિસઈન્ફેકશન કરવાની કાર્યવાહી પણ કરાશે. આટલું જ નહીં સવારે જયારે રૂટ શરૂ કરવામાં આવશે ત્યારે મુસાફરોનાં હાથ જયાં અડતા હશે તેવી જગ્યા જેવી કે હેન્ડલ, બસનાં પાઈપ, સીટનાં પાઈપ વગેરેને સેનેટાઈઝ કરવામાં આવશે. સરકારની હવે પછીની સુચના મળ્યા બાદ તમામ રૂટો શરૂ કરાશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.