- બેકાબુ બસે ત્રણ વાહનો અને રેંકડીને ટક્કર મારી : રાહદારી મહિલા અને વૃદ્ધ ચાલકનો ભોગ લીધો
રાજકોટ શહેરમાં રેલનગર વિસ્તાર પાસે એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા આ અકસ્માત સર્જાયો હતો. બસ ડ્રાઈવરનું નામ પરસોત્તમ બારૈયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ચાલુ બસે ડ્રાઈવર પરસોત્તમ બારૈયાને હાર્ટ એટેક આવતા તેનું કરુણ મોત નિપજ્યું છે.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો, ગુરુવારના રોજ સાંજના સમયે રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારમાં સીટી બસના ડ્રાઈવર 60 વર્ષીય પરસોત્તમ બારીયાનું ચાલુ બસ દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરસોત્તમ બારૈયાને ચાલુ બસે હૃદય રોગનો હુમલો આવવાના કારણે બસના સ્ટેરીંગ પરથી તેમણે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે એક રિક્ષા સહિત બે થી ત્રણ
વાહનો સાથે બસ ટકરાઈ હતી. ત્યારે સમગ્ર મામલે એક રાહદારી 44 વર્ષીય સંગીતા માકડીયા નામની મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ ઘટનામાં મંડોર મુકેશ અને મનીષા વર્મા નામની મહિલાને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
મામલામાં બસના કંડક્ટર રમેશભાઈ બોડાએ જણાવ્યું હતું કે, સીટી બસ રેલનગર વિસ્તારમાંથી ત્રિકોણ બાગ તરફ જતી હતી. ડ્રાઈવર પરસોત્તમભાઈ બારૈયા બસ ચલાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા સ્ટેરીંગ પરથી તેમણે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે મેં બસને બ્રેક લાગે તે પ્રકારનો પ્રયત્ન કર્યો હતો. જે સમયે બનાવ બન્યો ત્યારે બસમાં ત્રણ મહિલા પેસેન્જર અને પુરુષ પેસેન્જર સહિત અમે કુલ છ લોકો હાજર હતા. જોકે બસમાં સવાર એક પણ મુસાફરને ઇજા નથી પહોંચી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ડ્રાઈવર તેમજ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. આરએમટીએસ બસના ડ્રાઈવર તેમજ રાહદારી મહિલાનો ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.