કામગીરીમાં રતિભારનો પણ સુધારો નહીં: એજન્સીઓ બેફામ ભ્રષ્ટાચાર આચરતી હોવાની સર્જાતી શંકા
રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ રાજપથ લિમિટેડ કંપની દ્વારા દર સપ્તાહે હવે સીટી બસ અને બીઆરટીએસની કામગીરીના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. જેમાં એજન્સીઓને કામમાં ક્ષતિ સબબ તોતીંગ દંડ ફટકારવામાં આવ્યું હોવાનું જાહેર કરાય છે. પરંતુ એજન્સીઓના કામગીરીમાં રતિભારનો સુધારો થતો નથી. આ બાબત સીટી બસ અને બીઆરટીએસમાં ચાલતાં ભ્રષ્ટાચારની શંકા પણ ઉપજાવી રહી છે. એકવાર દંડ થયા બાદ એજન્સીઓની કામગીરીમાં સુધારો થતો હોય છે પરંતુ આશ્ર્ચર્યજનક રીતે સીટી બસ કે બીઆરટીએસ બસની એજન્સીઓને ફટકારવામાં આવતા દંડની રકમ સતત વધતી રહે છે.
જેની સામે કામગીરીમાં સુધારો થતો નથી.આજે રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા 13 થી 19 ડિસેમ્બર સુધીમાં કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સીટી બસ સેવામાં બસ ઓપરેટર કંપની એવી મારૂતિ ટ્રાવેલ્સની કામમાં ક્ષતિ બદલ 3550 કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂા.1,24,250નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોડર્નને રૂા.30,200 જ્યારે સિક્યુરિટી એજન્સી નેશનલ સિક્યુરિટી સર્વિસને રૂા.2400નો દંડ ફટકારવામાં આવ્યો છે.
3 કંડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. 8ને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેકીંગ દરમ્યાન 8 મુસાફરો ટીકીટ વિનાના માલૂમ પડતા તેની સામેથી રૂા.880નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે બીઆરટીએસ બસ સેવામાં એક્સ આર્મીમેન અને સિક્યુરિટી ગાર્ડ પુરું પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી રાજ સિક્યુરિટી સર્વિસને રૂા.4,950નો દંડ ફટકારવામાં આવ્યો છે. દર સપ્તાહે સીટીબસ અને બીઆરટીએસમાં અલગ-અલગ મેન પાવર સપ્લાય કરવાની એજન્સીઓને દંડ ફટકારવામાં આવે છે. આ દંડની રકમ પણ તોતીંગ હોય છે છતાં તેઓની કામગીરીમાં કોઇ જ પ્રકારનો સુધારો થતો નથી.