આજનો ચાંદલીયો મને લાગે બહુ પ્યારો, કહી દો, સુરજને કે, ઉગે નહીં ઠાલો
રાસ ગરબા લ્હાણી પ્રસાદ દુધ પૈવા તેમજ ખીરના વિશેષ મહત્વનું દર્શન
ગઇકાલે શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં સોળે કળાએ ખીલ્યો હતો અનેઆ ચંદ્રમાના પ્રકાશમાં રાજકોટ શહેરની ઉંચી ઉચી ઇમારતો પણ જાણે કે રોશનીથી ઝળહળી રહી હતી તેવું લાગી રહ્યું હતું. આ દ્રશ્યો વચ્ચે કવિની કલમે લખાયેલ એ ગીત ચોકકસ યાદ આવ્યા વિના રહે નહી કે આજનો ચાંદલીયો મને, લાગે બહુ વ્હાલો, કહી દો સુરજને કે, ઉગે નહીં ઠાલો
આભમાંથી નિતરતી શિતળતા વચ્ચે શરદપૂર્ણિમાના ચંદ્રમાં નો પ્રકાશ તન અને મનને પ્રફુલ્લિત કરતા અનુભવનો અહેસાસ થયા વિના રહેતો નથી શહેરમાં નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ગરબી મંડળો કે જેમાં મોટાભાગે ગઇકાલે શરદપૂર્ણિમા પર્વે રાસ ગરબાના આયોજનો કરવામાં આવ્યા હતા.
ચંદ્રના પ્રકાશમાં રાસ રમતી બાળાઓ જાણે કે જોગમાયાનું સ્વરુપ આભેથી ઉતર્યુ હોય તેમ લાગી રહ્યું હતું. જયારે શહેરમાં ધાબા ઉપર સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના પ્રકાશમાં દુધ-પૈવા ખડીસાકર, ખીર વગેરે રાખી આરોગ્યની કામના કરતો મોટો વર્ગ જોવા મળ્યો હતો.
જયારે શરદ પૂર્ણિમાની મઘ્યરાત્રીએ આભની મઘ્યમાં આવેલ ચંદ્રમાનો પ્રકાશથી સમગ્ર શહેર રોશનીથી ઝળહળી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.