‘અબતક’માં ગઇકાલે પ્રસિદ્વ કરાયેલા અહેવાલ બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાએ નગરસેવીકાઓના પરિવારજનોને નિયમોનું પાલન કરવા કરી કડક તાકીદ

 

અબતક, રાજકોટ

આધાર કાર્ડમાં સુધારા-વધારાના ફોર્મમાં અરજદારને ભાજપના વોર્ડ નં.6ના નગરસેવીકા દેવુબેન જાદવની સહિ અને સિક્કો તેમના પતિદેવ મનસુખભાઇ જાદવે કરી દીધાનો અહેવાલ ગઇકાલે ‘અબતક’ દૈનિકમાં પ્રસિદ્વ થયા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભાજપના 34 મહિલા કોર્પોરેટરોના પરિવારજનોને એવી સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે હવેથી નગરસેવીકાઓના પરિવારજનોએ કોઇપણ સરકારી ફોર્મમાં કોર્પોરેટર વતી સાઇન કે સિક્કા કરી દેવા નહીં જો ભવિષ્યમાં આવી ભૂલ ફરી કરવામાં આવશે તો પક્ષ દ્વારા આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી આપી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

મહાપાલિકામાં આવકના દાખલા અને આધાર કાર્ડમાં સુધારા-વધારાના ફોર્મમાં નગરસેવકોની સહિ ફરજીયાત લેવી પડે છે. ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયમાં દિવસ દરમ્યાન સેંકડો લોકોને આવા ફોર્મમાં નગરસેવકો દ્વારા સહિ-સિક્કા કરી આપવામાં આવતા હોય છે. દરમ્યાન ગઇકાલે શહેરના વોર્ડ નં.6ના ભાજપના મહિલા નગરસેવીકા અને માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવની ચેમ્બરમાં બે અરજદાર આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવાના ફોર્મમાં સહિ-સિક્કા કરાવવા આવ્યા હતા. દેવુબેનની ગેરહાજરીમાં તેઓના પતિદેવ મનસુખભાઇ જાદવે નગરસેવીકા વતી સહિ અને સિક્કા કરી આપ્યા હતા. આ અંગે ‘અબતક’માં પ્રસિદ્વ થયેલાં સનસનીખેજ અહેવાલ બાદ ભાજપને રેલો આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ આ ઘટનામાં ભવિષ્યમાં બીજીવાર ન બને તે માટે શાસક પક્ષના નેતા વિનુભા ઘવાને એવી તાકીદ કરી છે કે ભાજપના તમામ 34 કોર્પોટરો અને તેના પરિવારજનોને તાત્કાલીક અસરથી એવી સૂચના આપી દેવામાં આવે કે હવે પછી કોઇ નગરસેવીકાના પરિવારજનોએ એકપણ પ્રકાર સરકાર ફોર્મ કે આવક દાખલામાં કોર્પોરેટ વતી સહિ-સિક્કા કરવા નહીં. દરમિયાન આ અંગે શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાએ મનસુખ જાદવને રૂબરૂ બોલાવી આકરો ઠપકો આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.