જરૂર પડ્યે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત રસોડા શરૂ કરવા પણ સૂચના અપાઇ
રાજકોટમાં મધરાતથી એકધારો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં શહેરમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. હજુ બે દિવસ માટે શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા 500થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. દરમિયાન લોકોને કોઇ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ભાજપના તમામ 68 કોર્પોરેટરોને સતત ફિલ્ડમાં રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. જરૂર પડ્યે રાહત રસોડા પણ શરૂ કરી દેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા બાર કલાકથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. શહેરીજનોને શક્ય તેટલી ઓછી મુશ્કેલી વેઠવી પડે તે માટે ભાજપના કાર્યકારો અને કોર્પોરેટરો એલર્ટ થઇ ગયા છે. તમામ કોર્પોરેટરોને સતત પોતાના વિસ્તારમાં રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન સ્થળાંતર કરવાની ફરજ પડે તો પોતાના વિસ્તારોમાં રાહત રસોડા પણ શરૂ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. વોર્ડ નં.14માં ભાજપના કોર્પોરેટરો અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ દ્વારા તાત્કાલીક અસરથી રાહત રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે. બે દિવસ રેડ એલર્ટની આગાહીને પગલે તંત્ર સજ્જ થઇ ગયું છે. સાથોસાથ ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરોને સતત લોકોની વચ્ચે રહી તંત્રને રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવા માટે જણાવવામાં આવ્યું છે.