જગ્યા રદ થયા બાદ મધ્યાહન ભોજનના ડે. કલેકટર સૂરજ સુતાર મહેસુલ વિભાગ હવાલે થતા તેઓ પાસે રહેલા વિવિધ ચાર્જની સોંપણી અન્ય ડે. કલેક્ટરોને કરતા કલેકટર
મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર મહેસુલ વિભાગને હવાલે થઈ જતા તેઓ પાસે રહેલ વિવિધ ચાર્જની સોંપણી થઈ છે. જેમાં સિટી-1 પ્રાંતને જમીન સંપાદન અને સિંચાઈ તેમજ સિટી-2ને પુરવઠાનો વધારાનો ચાર્જ અપાયો છે.
તાજેતરમાં સરકારે મધ્યાહન ભોજન નાયબ કલેકટરની જગ્યાઓ રદ કરી હતી. રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરની 31 જગ્યાઓ હતી. હવે તમામ જિલ્લાઓમાં જિલ્લા પુરવઠા અધિકારીને જ મધ્યાહન ભોજનની કામગીરી સંભાળવાનો આદેશ અપાયો છે. જો કે 7 જિલ્લામાં આ જગ્યા ભરેલ હતી. બાકીની જગ્યાએ વધારાના ચાર્જથી ગાડું ગબડાવાતું હતું.
રાજકોટ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર તરીકે સૂરજ સુતાર હતા. હવે તેઓ મહેસુલ વિભાગને હવાલે થઈ ગયા છે. જેને પગલે તેઓ પાસે રહેલ વિવિધ ચાર્જની સોંપણી જિલ્લા કલેકટર દ્વારા અન્ય ડે. કલેક્ટરોને કરવામાં આવી છે. જેમાં સિટી-1 પ્રાંત કે.જી. ચૌધરીને જમીન સંપાદન અને સિંચાઈનો ચાર્જ આપવામાં આવ્યો છે. તેમજ સિટી-2 પ્રાંત સંદીપકુમાર વર્માને પુરવઠા વિભાગનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.