પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે, રાજ્યસભામાં પણ આ બિલ બહુમતિ સાથે પાસ થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધન બિલ એ દેશમાં વસતા પીડિત શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવા માટે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહનું ભગીરથી કાર્ય છે. નાગરિકતા સંશોધન બિલ ભારતમાં રહેતા પીડિત શરણાર્થીઓ માટે શાંતિ, સુખ અને સલામતી લઈ આવનારું બની રહેશે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા પીડિત શરણાર્થીઓને નાગરિકતા આપવાનો ઉપરાંત આ ત્રણ દેશોમાંથી આવનારા હિંદુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયનાં શરણાર્થીઓને નાગરિકતાનો આપવાનો પ્રસ્તાવ છે. આ બિલ લાખો કરોડો લોકોને આશ્રિતોની યાતનામાંથી મુક્તિ આપશે. આ બિલ કોઈ સમુદાય વિશેષ નહીં પરંતુ ખાસ કરીને લઘુમતીઓ કેન્દ્ર સ્થાને છે. ભારતનાં પાડોશી દેશોમાં લઘુમતીઓની સ્થિતિ દયનીય છે, ઉપરાંત પાડોશી દેશમાંથી ત્રાસી-પીડિત થઈ આપણા દેશમાં આવેલા લોકોની હાલત પણ ન ઘરનાં ન ઘાટના સમાન છે ત્યારે નાગરિકતા સંશોધન બિલ હિન્દુ, શીખ, જૈન, પારસી જેવા ધર્મનાં પીડિત શરણાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે. અલબત્ત આ બિલ પસાર થવાથી કોંગ્રેસ અને નહેરુ-ગાંધી પરિવારની આઝાદી સમયથી લઈ આજ સુધી કરેલી ભૂલો પણ સુધરી જશે. દેશનું વિભાજન ધર્મનાં આધાર પર ક્યારેય ન થવું જોઈએ. ભૂતકાળની કોંગ્રેસ સરકારની ભૂલો વર્તમાન ભાજપ સરકાર સુધારી રહી છે તે અંતર્ગત આ બિલ દરેક ભારતીય – બિનભારતીય માટે ફાયદાકારક અને સીમાચિહ્ન રૂપ છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયે લાખો લોકો એવા હતા જેમને ન તો ભારતની નાગરિકતા મળી હતી ન તો પાકિસ્તાનની. આવા હજારો લોકો આજે પણ રાજસ્થાનની સરહદ પર છે જે ભારત કે પાકિસ્તાનનાં નાગરિકો નથી! આ ઉપરાંત બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા એવા હજારો લોકો છે જે ભારતમાં શરણાર્થી સ્વરૂપે છે. તેમની પાસે ભારતની નાગરિકતા જ નથી અને તેઓ ભારતની નાગરિકતા ઈચ્છી રહ્યાં છે. નાગરિકતા સંશોધન બિલ પસાર થવાથી આવા લાખો લોકોને ભારતની નાગરિકતા મળી રહેશે અને તેઓ પણ મુખ્ય પ્રવાહમાં જોડાઈને શાંતિ, સુખ અને સલામતી સાથે દેશનાં વિકાસમાં સાથ આપશે. દેશનાં સરહદી વિસ્તારમાં વસતા રેફ્યુજીઓ માટે નાગરિકતા સંશોધન બિલ ખૂબ જ અગત્યનું હતું. આ બિલના પસાર થવાથી ભારતની સરહદી સીમા પર પ્રવર્તતી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. કોંગ્રેસ, પાકિસ્તાન અને દેશવિરોધી લોકો આ બિલનો વિરોધ કરી રહ્યાં છે તેનો સુધો મતલબ એ છે કે, આ બિલ દેશને સરહદી-આંતરિક કક્ષાએ મજબૂત બનાવશે. ભાજપ સરકાર એકમાત્ર એવી સરકાર છે જે ભારત બહારનાં અને ભારતમાં વસતા વિવિધ ધર્મ અને બિન ભારતીયોની કાળજી કરે છે, તેમના ન્યાય માટે સંસદમાં અવાજ ઉઠાવે છે અને કાયદો પણ ઘડે છે. પરંતુ દુ:ખદ બાબત એ છે કે, જે કોંગ્રેસ અધ્યક્ષ ખુદ મૂળ ભારતીય નથી છતાં ભારતીય છે એ બીજા બિન ભારતીયોને ભારતની નાગરિકતા મળે તેવા ભગીરથ કાર્યનાં હવનમાં હાડકા નાખે છે.