બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં વસ્તા ધાર્મિક લઘુમતિ સમુદાયને ભારતમાં વસાવવાના માનવતાવાદી પ્રયાસોને વધુ છ મહિનાનો કરવો પડશે ઈંતેજાર
દેશની એકતા, અખંડીતતા અને સર્વભૌમત્વની સુરક્ષા માટે અનિવાર્ય એવા નાગરિક ધારાના અમલ વધુ છ મહિના પાછો ઠેલાવવાની ફરજ પડી છે. રાષ્ટ્ર માટે અતિ અનિવાર્ય એવા નાગરિક સુધારા સામે રાજકીય વિરોધ વંટોળ ઉઠ્યો હતો પરંતુ સરકાર દ્વારા રાષ્ટ્ર હિતમાં મક્કમપણે આ ધારાની અમલવારી માટે કાર્યવાહી કરી હતી. પરંતુ મંગળવારે ગૃહમંત્રાલય દ્વારા લોકસભાને અને રાજ્યસભામાં એવી જાણકારી આપી હતી કે, નાગરિક સુધારા ધારાની અમલવારીની મુદત એપ્રીલ ૯ ૨૦૨૧ અને જુલાઈ ૯ ૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. સીએએને કાયદારૂપ આપવા માટે સરકાર જેમ બને તેમ જલ્દી આ કાયદો અમલમાં આવે તે માટે પ્રયત્નશીલ છે.
સરકાર દ્વારા જણાવાયું હતું કે, શક્ય હશે એટલા વહેલાસર આગામી છ મહિનામાં જ આ કાયદાનો અમલ થશે. અત્યાર સુધી આ કાયદાના અમલની તારીખ ઘણીવાર બદલાતી આવી છે. વધુ એકવાર આ કાયદાના અમલ આડે છ મહિનાની મુદત વધારવામાં આવી છે. દેશમાં નાગરિક સુધારા ધારાની આવશ્યકતા ઉભી થઈ છે. દેશમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી લઈને ઈરાન સુધીના પરદેશમાંથી સરહદના છીંડાનો લાભ લઈને અનેક લોકો ભારતમાં ગેરકાયદેસર ઘુસી રહ્યાં છે. મ્યાનમારમાં પણ આવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે. રોહિંગીયા મુસ્લિમોનો મુદો રાષ્ટ્ર માટે પેચીદો પ્રશ્ર્ન બન્યો છે. સરકાર સમગ્ર દેશમાં મુળ ભારતીય નાગરિકોની બંધારણીય સુરક્ષાના મુદ્દે ગંભીર છે. અત્યાર સુધી નાગરિક સુધારાના અમલને બીજીવાર મોકુફ રાખવાની ફરજ પડી છે. સીએએ કાયદાની જોગવાઈ અને તેના સુધારા માટે સરકાર પ્રતિબદ્ધ છે પરંતુ અદાલતની પ્રક્રિયા અને ખાસ કરીને આ કાયદાને લગતી ધાર્મિક બાબતોને લઈને અદાલતમાં ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી કાયદાના અમલ માટે રાહ જોવી પડશે.
નાગરિક સુધારા ધારાને સંસદના બન્ને ગૃહમાં ડિસેમ્બર ૨૦૧૯માં પારિત કરવામાં આવ્યા હતા અને ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. એક મહિના બાદ ગૃહ મંત્રાલયે સીએએ જાન્યુઆરી ૧૦ ૨૦૨૦થી તેની અમલવારી કરવામાં આવશે તેવું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. સીએએમાં ધાર્મિક લઘુમતિ તરીકે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશમાં રહેતા લોકો ભારતીય નાગરિકતા માટેની અરજી કરી શકવાની સમર્થતા દર્શાવતો આ કાયદો કેટલાક મુદ્દે વિવાદાસ્પદ બન્યો હતો. સીએએના મુદે ડિસેમ્બર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને સરકાર સામે યોગ્ય ચર્ચા-વિચારણા ન કરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભારતીય મુળના મુસ્લિમોને તેમના મુળ વતન ભારત હોવાના પુરાવાઓ રજૂ કરવાનો મુદ્દો રાજકીય બન્યો હતો. સરકાર હિન્દુ, શિખ, ક્રિશ્ર્ચન, પારસી, બુદ્ધિસ્ટ અને જૈન સંપ્રદાયના લોકોને પડોશી દેશોમાં પડતી મુશ્કેલીઓને લઈ આ ધારો લાવવા માટે હિમાયત કરી રહી છે. નાગરિક ધારો ફરી છ મહિના પાછો ઠેલાણો છે.