Abtak Media Google News
  • માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો આજથી ઇ-કુટિર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે: કુટીર મંત્રી બલવંતસિંહ રાજપુત
  • માનવ કલ્યાણ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની અરજી મંગાવવાનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવતા મંત્રી બલવંતસિંહ રાજપુત
  • ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથશાળાના જિઓ ટેગીંગ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ મંત્રીના હસ્તે લોન્ચ કરાઈ

રાજ્યના છેવાડાના દરેક નાગરીકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન-ઓજારો એટલે કે, ટૂલકિટ આપવામાં આવે છે. આ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે શુભારંભ કરાયો હતો. રાજ્યના અરજદારો આજથી એટલે કે તા. ૩ જુલાઈ, ૨૦૨૪થી આગામી બે મહિના સુધી આ www.e-kutir.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.

આ ઉપરાંત મંત્રીના હસ્તે વળતર માન્યતા ધરાવતી ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથશાળોના જિઓ ટેગીંગ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત દૂધ દહીં વેચનાર, અથાણાં-પાપડ બનાવટ, ભરતકામ, બ્યુટીપાર્લર જેવા વિવિધ ૧૦ પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિના મૂલ્યે ટૂલકીટ આપવામાં આવે છે. આ યોજનામાં ૧૮ થી ૬૦ વર્ષની વયના અને જેઓની કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા તમામ લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે.

છેવાડાના નાગરીકોનું જીવનધોરણ વધુ ઊંચુ લાવવા માટેની આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે રાજ્ય કક્ષાએ હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણીને અંતે પસંદ કરેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા મંજૂરી મેળવેલ લાભાર્થીઓને નિયત નાણાંકીય મર્યાદામાં પસંદગી મુજબના સાધન-ઓજાર વિનામુલ્યે ઈ-વાઉચર દ્વારા આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના સચિવ શ્રી પ્રવિણ કે. સોલંકી, નાયબ સચિવ શ્રી નિલેશ મોદી, ઉપ સચિવ શ્રી યોગીના પટેલ, સંયુક્ત નિયામક શ્રી એ.એમ.પંચાલ, પ્રોજેક્ટ મેનેજર શ્રી જી.એલ. પટેલ અને શ્રી પી.ટી.પરમાર , તથા પી.એમ.યું. ટીમના આઇટી એક્સપર્ટ શ્રી ધ્રુમિલ પ્રજાપતિ તેમજ જી.આઇ.પી.એલના મેનેજર શ્રી જયદીપસિંહ સોલંકી સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.