- ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો વિકાસની મુખ્ય ધારામાં જોડાય અને ગામડા સમૃદ્ધ બને એ જ સાચો વિકાસ માર્ગ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ
ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી
- પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂ. 50,000 વધારાની સહાય આપશે
- વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં વધુ 5,950 સ્વસહાય જૂથોની રચના કરાશે
- SAHAS યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોની બેંક લોન માટે સરકાર પોતે ગેરન્ટર બનશે
- મનરેગા હેઠળ આગામી વર્ષે કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે
- ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂ. 4700.09 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો વિકાસની મુખ્ય ધારામાં જોડાય અને ગામડા સમૃદ્ધ બને એ સાચો વિકાસ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મૂળમંત્ર સાથે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો.
એ જ પાયા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ગ્રામ વિકાસની મજબૂત ઇમારત ઊભી કરી છે, તેમ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું. તેઓ વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને “પોતાના સ્વપ્નનું ઘર” પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2024-25માં રાજ્યના 2.24 લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં રૂ. 1226.70 કરોડની જોગવાઇ કરાઇ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ બાંધકામ માટે આપવામાં આવતી રકમ રૂ. 1,20,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂ. 50,000 સહાય પૂરી પાડવામાં આવશે. જેના માટે પણ બજેટમાં રૂ. 550 કરોડની જોગવાઇ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી હળપતિએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) હેઠળ ગત વર્ષે જંગલ વિસ્તારમાં વસતા 3288 આદિવાસી પરિવારોને આવાસની મંજૂરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અને પ્રધાનમંત્રી આદિજાતી ન્યાય મહાઅભિયાન મિશન યોજનાના પ્લોટ વિહોણા લાભાર્થીઓને રૂ. 1,00,000 સુધીની પ્લોટ સહાય માટે રાજ્ય ભંડોળમાંથી આપવામાં આવશે, તેના માટે બજેટમાં રૂ. 30 કરોડની જોગવાઇ કરાઇ છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડાઓમાં વસતી બહેનોને સ્વનિર્ભર બનાવવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યભરમાં 8,362 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. આગામી વર્ષે ગુજરાતમાં વધુ 5950 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવશે.
ગત વર્ષે રાજ્યના 9784 સ્વસહાય જૂથોને રૂ. 29.12 કરોડનું રીવોલ્વીંગ ફંડ, 12,972 સ્વસહાય જૂથોને રૂ. 151.09 કરોડ કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ તેમજ 77,552 સ્વસહાય જૂથોને રૂ. 1392.30 કરોડની કેશ ક્રેડિટ અપવવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વસહાય જૂથોમાં બેંક લોનનું પ્રમાણ વધારવા માટે સ્કીમ ઐમ્ડ એટ હોલિસ્ટિક આસીસ્ટન્સ ટુ સખીસ (SAHAS) યોજના હેઠળ સ્વસહાય જુથોની બહેનોની બેંક લોન માટે સરકાર પોતે જ ગેરન્ટર બનશે. જેના માટે બજેટમાં રૂ. 100 કરોડની જોગવાઇ કરાઇ છે.
મનરેગા અંગે મંત્રી હળપતિએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના 8.43 લાખ પરિવારોના 12.13 લાખ શ્રમિકોને કુલ 386.72 લાખ માનવદિનની રોજગારી આપવામાં આવી છે. આગામી વર્ષે રાજ્યના શ્રમિકોને કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે. જેના માટે રૂ. 1129.05 કરોડ બજેટ જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મનરેગા યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, જવાબદારી અને સમયસર ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ જોબકાર્ડ, એરિયા ઓફીસર એપ્લીકેશન, નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ, GIS આધારિત આયોજન, સ્વતંત્ર સામાજિક ઓડિટ યુનિટ, લોકપાલ, ડ્રોન દ્વારા નિરીક્ષણ જેવી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂ. 4700.09 કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી.