ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા 15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરાશે. બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે. 15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં યોજાનાર “સ્પોર્ટ્સ કાર્નિવલ” શહેરીજનો માટે અલગ-અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તેવી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ અપીલ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. 15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં વિવિધ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં 15મીએ સવારે 06:30 કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતેથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 2 રૂટ રાખવામાં આવેલ છે, એક 25 કી.મી. અને બીજો 3 કી.મી. આના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in અને www.facebook.com/CyclingRR.com પરથી 9 થી 13 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સાયક્લોથોન ઇવેન્ટ રાજકોટ મહાનગરપાલિકા અને Rajkot Randonneurs નાં સહયોગથી કરવામાં આવશે.
સાયક્લોથોન, ફાસ્ટ વોકિંગ ઇવેન્ટ, ફનરન અને ઝુમ્બા ઇવેન્ટનું આયોજન
તા.16મીના સવારે 06:30 કલાકે એથલેટિક્સ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે માત્ર એથલેટિક્સનાં સભ્યો માટે ફાસ્ટ વોકિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં માત્ર એથલેટિક્સ ગ્રાઉન્ડનાં મેમ્બરો જ ભાગ લઈ શકશે.
તા.17મીના સવારે 07:00 કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતેથી ફનરન ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રેસકોર્ષ રીંગ રોડ ફરતે ફનરન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી તા. 9 થી 16 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઇવેન્ટ રાજકોટ મહાનગરપાલિકા અને રનર્સ એસોસિએશનનાં સહયોગથી યોજવામાં આવશે.
તા.18મીના રોજ સવારે 06:30 કલાકે રેસકોર્ષ રીંગ રોડ, મેયરના બંગલાની સામે ઝુમ્બા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ઇવેન્ટ રાજકોટ મહાનગરપાલિકા સાથે વિવિધ જિમના સંસ્થાઓ સાથે જોડાશે.