- આનંદ બંગલા ચોક પાસે બુલેટના પૈસાની લેતીદેતી મામલે યુવાનને છરી ઝીંકી: શિવરાજપાર્કમાં ગીત વગાડવા બાબતે જાનૈયાઓએ ડી.જે. સંચાલકને લમધાર્યો
- રસુલપરામાં ગાળો બોલવા મામલે ભાઇ-બહેન પર હુમલો: માતા-પુત્રની માથાકૂટમાં પાણો પાડોશીની દિવાલમાં લાગતા મહિલાને માર માર્યો
શહેરમાં ગરમી વધતાની સાથે જાણે શહેરીજનોનો મગજનો પારો પણ તપતો હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે શહેરમાં અડધા ડઝન જેટલા મારામારીના બનાવો સામે આવ્યા હતા તો આજે જુદા-જુદા 10 સ્થળોએ મારામારીના બનાવ નોંધાયા છે. જેમાં સામાન્ય બાબતે બાખડી પડતા અનેક મહિલાઓ સહિત ઘણા લોકો ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા ડ્રાઇવિંગનો ધંધો કરતા સાગર મહેશભાઇ રાવલ નામના 35 વર્ષના યુવાન પર ગુરૂપ્રસાદ ચોક પાસે રહેતા વિનય ભટ્ટ નામના શખ્સે આનંદ બંગલા ચોકમાં છરી વડે હુમલો કર્યાનું સામે આવ્યું છે. જેમાં ઘવાયેલા યુવાને પોલીસમાં જણાવ્યું હતું કે વિનય ભટ્ટ તેનો મિત્ર હોય અને બુલેટની લેતીદેતી મામલે આ હુમલો કર્યો હતો.
અન્ય બનાવમાં પોપટપરામાં વેર હાઉસ પાસે રહેતા જયાબેન જયંતિભાઇ વહુકીયા અને તેના પુત્ર અનિલ વચ્ચે માથાકૂટ ચાલતી હોય તે બાબતે અનિલે માતા પર પાણકાનો ઘા કરતા પથ્થર પાડોશમાં રહેતા પ્રભાતની દિવાલે ભટકાયો હતો. જે બાબતનો ખાર રાખી પ્રભાત દેવસિંહ, સુનિલ પ્રભાત, રાજ હંસરાજ, અનિલ મનસુખ સહિતના શખ્સો જયાબેન જયંતિભાઇ સહિત પરિવારજનો પર લાકડી વડે હુમલો કરી વાહનમાં પણ તોડફોડ કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
જ્યારે વધુ એક બનાવમાં કુવાડવામાં હરિજનવાસમાં રહેતા હિતેષભાઇ ગોહિલે પૂજાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતે પાડોશમાં રહેતા કુટુંબીને પસંદ ન આવતા અનેક વખત માથાકૂટ થતી રહેતી હતી. જેમાં ગઇકાલે સાંજે 8 વાગ્યાના અરસામાં પૂજાબેન ઘરે એકલા હતા ત્યારે પાડોશમાં રહેતા રતિ, કાંતી તથા ગ્રામપંચાયતના સભ્ય શારદાબેન સહિતનાઓએ માથાકૂટ કરીને પૂજાબેનને બ્લેડના છરકા માર્યા હતા. હુમલામાં ઘવાયેલા પૂજાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે જીવરાજપાર્ક પાસે ભારતનગરમાં રહેતા અને ડી.જે.નું કામકાજ કરતા ભરતભાઇ ઇશ્ર્વરભાઇ જાંબુકીયા નામના યુવાન ગઇકાલે પોતાના ઘર પાસે લગ્નપ્રસંગમાં ડી.જે. વગાડવા ગયા તે દરમિયાન શક્તિ નામના શખ્સે વારેઘડીયે ગીત બદલવાનું કહેતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી ત્યારબાદ શક્તિ અને તેના મિત્રોએ ભરત જાંબુકીયાને ઢીકાપાટુનો માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુ એક બનાવમાં જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડામાં રહેતા અમૃતભાઇ પ્રેમજીભાઇ ગોહિલ નામના 55 વર્ષના પ્રૌઢ પર પાડોશમાં રહેતા શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. ઘટના અંગે હોસ્પિટલના બિછાનેથી અમૃતભાઇ પોલીસને જણાવ્યું હતું કે પાડોશમાં લગ્નપ્રસંગ હોય જેમાં અમુક શખ્સોએ આડેધડ ફટાકડા ફોડવા બાબતે ટપારવા જતા અમુક શખ્સોએ પ્રૌઢ પર હુમલો કર્યો હતો.
જ્યારે વધુ એક બનાવમાં રસુલપરામાં પ્રાથમિક શાળા પાછળ આવેલા રામનગરમાં રહેતા દિલીપભાઇ કાનજીભાઇ ડાભી અને તેના બહેન શીતલબેન કાનજીભાઇ ડાભી પર પાડોશમાં રહેતા કિશોર, વિપુલ સહિતના શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો. જેમાં દિલીપભાઇ ડાભીના જણાવ્યા મુજબ પાડોશમાં રહેતો કિશોર મહિલાઓ સામે ગાળો બોલતો હોય તે બાબતે ટપારવા જતા પાડોશી શખ્સોએ હુમલો કર્યાનું જણાવ્યું હતું.